Ind Vs NZ: મોહમ્મદ સિરાજની પસંદગી પર મોર્કલે ટાળ્યો સવાલ, કહ્યું- 'પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાનું કામ કેપ્ટનનું...'

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજની પસંદગી અંગે મોર્ને મોર્કલે કહ્યું કે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાનો અંતિમ નિર્ણય કેપ્ટન શુભમન ગિલનો રહેશે.
Nancy Shukal
Nancy Shukal
Ind Vs NZ: મોહમ્મદ સિરાજના સિલેક્શન પર મોર્કલનું નિવેદનInd Vs NZ: મોહમ્મદ સિરાજના સિલેક્શન પર મોર્કલનું નિવેદન

Ind Vs NZ: મોહમ્મદ સિરાજના સિલેક્શન પર મોર્કલનું નિવેદન

Ind Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 નવેમ્બરથી 2 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વનડે અને T20 સિરીઝ બાદ હવે બંને ટીમ ટેસ્ટ ફોર્મેટમાં આમને-સામને થશે. ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિ ઝડપી બોલર્સ માટે અનુકૂળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલા ફાસ્ટ બોલર્સને સ્થાન મળશે તેના પર સૌની નજર છે. આ દરમિયાન ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કલે મોહમ્મદ સિરાજની પસંદગીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

મેચ પહેલાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મોર્ને મોર્કલને સિરાજના તાજેતરના ખરાબ ફોર્મ અને પ્રથમ ટેસ્ટમાં તેના સ્થાન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ સવાલનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે પ્લેઈંગ ઈલેવન નક્કી કરવાની જવાબદારી કેપ્ટન શુભમન ગિલની છે.

મોહમ્મદ સિરાજ વર્લ્ડ ક્લાસ ખેલાડી છે: મોર્કલ

મોહમ્મદ સિરાજના સમર્થનમાં બોલતા મોર્ને મોર્કલે કહ્યું કે સિરાજ એક વર્લ્ડ ક્લાસ ખેલાડી છે અને જ્યારે પણ તેને દેશ માટે રમવાની તક મળી છે ત્યારે તેને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને વધુમાં જણાવ્યું કે મુખ્ય કોચને જાણ કરી દેવામાં આવી છે કે ટીમ પાસે 20 વિકેટ ઝડપવા માટે પૂરતા બોલિંગ વિકલ્પો છે. પરંતુ અંતિમ નિર્ણય કેપ્ટન શુભમન ગિલ જ લેશે.

મોર્ને મોર્કલે સિરાજની તૈયારીઓ અંગે પણ વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર મોહમ્મદ સિરાજે નેટ્સમાં સતત 2 દિવસ સુધી સખત મહેનત કરી હતી અને લાંબા સ્પેલમાં બોલિંગ કરી હતી. મેચ પહેલાં બોલર્સને આરામ આપવો જરૂરી હોય છે, જેથી તેઓ માનસિક અને શારીરિક રીતે તૈયાર રહી શકે. તેને કહ્યું કે ખેલાડીઓની તૈયારી પર પણ વિશ્વાસ રાખવો જોઈએ.

WTC ફાઈનલની રેસ માટે સિરીઝ મહત્વપૂર્ણ

મોર્ને મોર્કલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ની ફાઈનલમાં પહોંચવા માટે આ સિરીઝનું મહત્વ પણ સમજાવ્યું હતું. તેને કહ્યું કે ટીમ કોઈપણ સંજોગોમાં પોઈન્ટ ગુમાવવાનું જોખમ લઈ શકે તેમ નથી. ખેલાડીઓએ બહારની ચર્ચાઓને અવગણીને પોતાની બોલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બોલર્સ અને કેપ્ટન બંનેએ જવાબદારી લેવાની જરૂર છે.

ન્યૂઝીલેન્ડની હવાવાળી પરિસ્થિતિમાં બોલિંગ કરવાના પડકાર અંગે મોર્કલે કહ્યું કે પવનની વિરુદ્ધ દિશામાં બોલિંગ કરતી વખતે બોલર્સને થોડી લય અને મદદ મળી શકે છે. હવે જોવાનું રહેશે કે પ્રથમ ટેસ્ટમાં શુભમન ગિલ સિરાજને તક આપે છે કે અન્ય ઝડપી બોલર્સ સાથે મેદાનમાં ઉતરે છે.

આ પણ વાંચો: Ind Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ક્યારે રમાશે? જાણો તમામ ડિટેલ્સ