IND Vs NZ: ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 7 વર્ષ બાદ હરાવ્યું, ફિલિપ્સ અને ડફી બન્યા જીતના હીરો

IND Vs NZ: ન્યુઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની ધમાકેદાર ઈનિંગ રમી, જ્યારે જેકબ ડફીએ 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી.ભારત 87 રનથી મેચ હારી ગઈ.
Nancy ShuklaUpdated on: 30 Oct 2026 05:20 PM IST
IND Vs NZ: ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 7 વર્ષ બાદ હરાવ્યું, ફિલિપ્સ અને ડફી બન્યા જીતના હીરોIND Vs NZ: ભારતની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે 7 વર્ષ બાદ હરાવ્યું, ફિલિપ્સ અને ડફી બન્યા જીતના હીરો

IND Vs NZ

IND Vs NZ: ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે 7 વર્ષ બાદ ભારત સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે ગ્લેન ફિલિપ્સ અને માઈકલ બ્રેસવેલની તોફાની બેટિંગના દમ પર 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટે માત્ર 172 રન જ બનાવી શકી હતી.

ફિલિપ્સ અને બ્રેસવેલે ભારતીય બોલર્સને કર્યા હેરાન

ચોથી T20 મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.

ગ્લેન ફિલિપ્સે માત્ર 49 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જ્યારે માઈકલ બ્રેસવેલે 25 બોલમાં 65 રન ફટકાર્યા હતા. બંનેની આક્રમક બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો.

જેકબ ડફીની ઘાતક બોલિંગ

260 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. સંજુ સેમસન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ઈશાન કિશન પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જેકબ ડફીએ બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

ત્યારબાદ અભિષેક શર્માએ 15 બોલમાં 27 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે 11 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ બંને મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. પાવરપ્લેમાં જ ભારતે પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

તિલક વર્મા અને નમન ધીર પણ ટીમને જીતાડી ન શક્યા

અક્ષર પટેલ માત્ર 7 રન બનાવી શક્યો હતો, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 10 બોલમાં 21 રન બનાવ્યા હતા. નમન ધીરે 13 બોલમાં 28 રનની આક્રમક ઈનિંગ રમી હતી. બીજી તરફ તિલક વર્માએ 35 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. પ્રિન્સ યાદવ પણ 17 બોલમાં 18 રન બનાવી અણનમ રહ્યો હતો.

ભારત 87 રનથી મેચ હારી ગઈ

ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફીએ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા ન હતા. આ રીતે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 172 રન જ બનાવી શકી અને 87 રનથી મેચ હારી ગઈ. ઓકલેન્ડમાં ભારતની આ પ્રથમ T20I હાર છે. સાથે જ વર્ષ 2019 બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમને પ્રથમ વખત T20Iમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: Arshdeep Singh: અર્શદીપ સિંહે રચ્યો ઈતિહાસ, આયર્લેન્ડના જોશ લિટલનો રેકોર્ડ તોડ્યો

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.