Shubman Gill: AI ડિવાઈસ પહેરીને પ્રેક્ટિસ કરવા ઉતર્યો શુભમન ગિલ, જાણો શું છે મશીનનો ઉપયોગ?


Shubman Gill
Shubman Gill: AI ડિવાઈસ પહેરીને પ્રેક્ટિસ કરવા ઉતર્યો શુભમન ગિલ, જાણો શું છે મશીનનો ઉપયોગ?


Shubman Gill
Shubman Gill: ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં ભારતીય ટીમે 3-0ની લીડ મેળવી લીધી છે. પરંતુ ગુરુવારે ઓકલેન્ડમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન શુભમન ગિલ એક ખાસ ડિવાઈસને કારણે ચર્ચામાં આવ્યો હતો. ભારતના વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન ગિલના કપાળ પર અત્યાધુનિક ફિટનેસ ટ્રેકિંગ ડિવાઈસ જોવા મળ્યું હતું, જે હજુ સામાન્ય લોકો માટે બજારમાં ઉપલબ્ધ નથી. ‘ટેમ્પલ’ નામનું આ ડિવાઈસ દીપિન્દર ગોયલે બનાવ્યું છે.
ઓકલેન્ડમાં પ્રેક્ટિસ દરમિયાન શુભમન ગિલે આ ડિવાઈસ પહેર્યું હતું. ત્યારબાદ તેને ઈશાન કિશન અને કેએલ રાહુલ સાથે નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ શરૂ થાય તે પહેલાં શુભમન ગિલે મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે ટીમની તૈયારીઓ અને આગામી મેચોને લઈને લાંબી ચર્ચા પણ કરી હતી.
શું છે ‘ટેમ્પલ’ ડિવાઈસ અને કેવી રીતે કરે છે કામ?
‘ટેમ્પલ’ ડિવાઈસ હાલમાં સામાન્ય લોકો માટે બજારમાં ઉપલબ્ધ નથી, પરંતુ રમતગમત ક્ષેત્રે તેના ઉપયોગને લઈને ઉત્સુકતા વધી રહી છે. આ ડિવાઈસ કપાળ પર, આંખોની બરાબર ઉપર પહેરવામાં આવે છે. અગાઉ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરતી જોવા મળી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ આ ડિવાઈસ મગજમાં લોહીના પ્રવાહ, નર્વસ સિસ્ટમની પ્રતિક્રિયા અને દબાણની પરિસ્થિતિમાં માનસિક તણાવના સ્તર પર નજર રાખવા માટે બનાવવામાં આવી છે. હાલમાં ખેલાડીઓ ફિટનેસ ટ્રેકિંગ માટે સ્માર્ટવોચ, રિસ્ટબેન્ડ અને સ્માર્ટ રિંગ્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. પરંતુ ‘ટેમ્પલ’ ડિવાઈસ આ ડિવાઈસથી કેટલી અલગ છે અને ખેલાડીઓના પ્રદર્શનને સુધારવામાં તેની કેટલી મદદ મળે છે તે અંગે હજુ મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે.
મીડિયા રિપોર્ટ મુજબ શુભમન ગિલે સમગ્ર પ્રેક્ટિસ સેશન દરમિયાન આ ડિવાઈસ પહેરી રાખ્યું હતું. પરંતુ શુભમન ગિલે જાહેરમાં હજુ સુધી આ ડિવાઈસના ઉપયોગ પાછળનું કારણ જણાવ્યું નથી.
વનડે સિરીઝની તૈયારીમાં વ્યસ્ત ટીમ ઈન્ડિયા
ભારતીય ટીમે T20 સિરીઝમાં અજેય લીડ મેળવી હોવા છતાં હવે તેનું ધ્યાન 4 નવેમ્બરથી શરૂ થનારી 5 મેચની વનડે સિરીઝ પર છે. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓકલેન્ડ પહોંચી ચૂક્યો છે, જ્યારે વિરાટ કોહલી પણ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાય તેવી અપેક્ષા છે.
આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનારા વનડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે મહત્ત્વનો માનવામાં આવે છે. અહીંની પરિસ્થિતિઓ ખેલાડીઓને મોટા ટુર્નામેન્ટ પહેલાં પોતાની તૈયારી ચકાસવાની તક આપશે.
તિલક વર્માએ વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમ અંગે શું કહ્યું?
ભારતીય T20 ટીમના વાઈસ કેપ્ટન તિલક વર્માએ પણ વ્યસ્ત ઈન્ટરનેશનલ કાર્યક્રમ અંગે વાત કરી હતી. તેને જણાવ્યું કે છેલ્લા 4 મહિનામાં ચાર અલગ-અલગ ખંડોમાં પ્રવાસ કરવાને કારણે ખેલાડીઓએ સતત જેટ લેગ અને નવા વાતાવરણમાં અનુકૂળ થવા જેવા પડકારોનો સામનો કર્યો છે.
તિલકના જણાવ્યા અનુસાર આ મુશ્કેલીઓ છતાં ટીમ પોતાના પ્રદર્શનનું સ્તર જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. હેડ કોચ ગૌતમ ગંભીર ખેલાડીઓને એવું ધોરણ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરે છે, જે માત્ર T20 જ નહીં, પરંતુ લાંબા ફોર્મેટમાં પણ ટીમને ઉપયોગી બને.
હવે ભારતનો ટાર્ગેટ ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં 5-0થી ક્લીન સ્વીપ કરવાનો છે. બીજી તરફ, વનડે ટીમના ખેલાડીઓ ઓકલેન્ડમાં જોડાવા લાગતાં ભારતીય ટીમે આગામી મહત્ત્વપૂર્ણ પડકાર માટે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: Mumbai Indians: મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થયા લસિથ મલિંગા, કોચિંગ સ્ટાફના અન્ય 2 સભ્યની વિદાય





