IND Vs PAK: ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી U-19 એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો

IND Vs PAK: ભારતે રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને 1 વિકેટથી હરાવી અંડર-19 એશિયા કપ 2026નો ખિતાબ જીત્યો. મોહિત ઉલવા જીતનો હીરો બન્યો.
Nancy Shukal
Nancy Shukal
IND Vs PAK: ભારત U19 એશિયા કપ 2026 ચેમ્પિયનIND Vs PAK: ભારત U19 એશિયા કપ 2026 ચેમ્પિયન

IND Vs PAK: ભારત U19 એશિયા કપ 2026 ચેમ્પિયન

IND Vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી અંડર-19 એશિયા કપ 2026ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે.

ભારતની આ જીતનો હીરો મોહિત ઉલવા રહ્યો હતો. તેને મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ 49 રનની મેચવિનિંગ ઈનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

338 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેન ઝડપથી વિકેટ ગુમાવતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક સમયે ભારતીય ટીમની હાર નિશ્ચિત લાગતી હતી, પરંતુ મોહિત ઉલવાએ ધમાકેદાર બેટિંગ કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેના અણનમ 49 રનની મદદથી ભારતે એક વિકેટથી ઐતિહાસિક જીત મેળવી.

ભારતે 252 રનના સ્કોર પર આઠમી વિકેટ ગુમાવી દીધી, જીત માટે 86 રનની જરૂર હતી પરંતુ હાથમાં ફક્ત 2 વિકેટ બાકી હતી. ત્યારબાદ, મૈનાલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ નવમી વિકેટ માટે 57 રન બનાવ્યા, જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.

પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાનની સદી

આ પહેલાં ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે શાનદાર બેટિંગ કરી હતી. પાકિસ્તાનના ઓપનર ઉસ્માન ખાને 111 બોલમાં 3 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 107 રન ફટકાર્યા હતા. તેને અબ્દુલ કાદિર સાથે બીજી વિકેટ માટે 135 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ કરી હતી.

અબ્દુલ કાદિરે પણ આક્રમક બેટિંગ કરતાં માત્ર 54 બોલમાં 8 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે 60 બોલમાં 63 રનની અડધી સદી ફટકારી હતી. આ બેટિંગના દમ પર પાકિસ્તાને ભારત સામે 338 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.

કાવ્ય પટેલે ઝડપી 4 વિકેટ

ભારત તરફથી બોલિંગમાં કાવ્ય પટેલ સૌથી સફળ રહ્યો હતો. તેને પોતાની સંપૂર્ણ 10 ઓવર ફેંકીને 68 રન આપતાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે ચિગુરુપતિ વેંકટે 5 ઓવરમાં 40 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી.

આમ, ભારતીય યુવા ટીમે અંતિમ ક્ષણ સુધી લડત આપીને પાકિસ્તાનને હરાવ્યું અને અંડર-19 એશિયા કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી હતી.

આ પણ વાંચો: Aryavir Sehwag: આર્યવીર સહેવાગે રચ્યો ઈતિહાસ, 361 રન સાથે અંડર-19 એશિયા કપમાં બન્યો નંબર-1 બેટર