SAFF Championship 2026: SAFF ચેમ્પિયનશિપ 2026માં ભારતની ધમાકેદાર શરૂઆત, પાકિસ્તાનને 3-2થી હરાવ્યું

SAFF Championship 2026: SAFF ચેમ્પિયનશિપ 2026માં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું. સુહેલ ભટ્ટના 2 ગોલ અને કિપગેનના એક ગોલથી ટીમ ઈન્ડિયાએ વિજયી શરૂઆત કરી.
Nancy Shukla
SAFF Championship 2026: ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યુંSAFF Championship 2026: ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું

SAFF Championship 2026: ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું

SAFF Championship 2026: SAFF ચેમ્પિયનશિપ 2026માં ભારતીય ફૂટબોલ ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 3-2થી હરાવી વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાના ખાતામાં 3 પોઈન્ટ ઉમેર્યા છે. મેચના પ્રથમ હાફમાં ભારતે ત્રણ ગોલ કરીને મજબૂત લીડ મેળવી હતી, પરંતુ ઈન્જરી ટાઈમમાં પાકિસ્તાને 2 ગોલ કરીને મેચને રોમાંચક બનાવી હતી.

પ્રથમ હાફમાં ભારતનો દબદબો

મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત દર્શાવી હતી. રમતની 13મી મિનિટે મુહમ્મદ સુહેલે ડાબી બાજુથી સુંદર મૂવ બનાવ્યો અને ગોલની સામે બોલ પહોંચાડ્યો. સુહેલ ભટ્ટે તકનો ફાયદો ઉઠાવી ભારત માટે પહેલો ગોલ કર્યો હતો.

ત્યારબાદ 19મી મિનિટે સુહેલ ભટ્ટે ફરી એકવાર શાનદાર શોટ ફટકારી ભારતની લીડ 2-0 કરી હતી. આ ગોલ માટે સૂર્યકુમારે મધ્ય મેદાનમાંથી સુંદર મૂવ બનાવી સુહેલ ભટ્ટને તક ઊભી કરી આપી હતી.

રમતની 32મી મિનિટે નુફાલે ડ્રિબલિંગ કરીને બોલ કિપગેન સુધી પહોંચાડ્યો હતો. કિપગેને શાનદાર શોટ ફટકારી ભારતનો ત્રીજો ગોલ કર્યો હતો. બીજી તરફ, પાકિસ્તાનને પેનલ્ટીની તક મળી હતી, પરંતુ શાયક દોસ્તનો શોટ ગોલપોસ્ટની ઉપરથી બહાર ગયો હતો. આમ, પ્રથમ હાફના અંતે ભારત 3-0થી આગળ હતું.

ઈન્જરી ટાઈમમાં પાકિસ્તાનની વાપસી

બીજા હાફમાં ભારતે પોતાની લીડ જાળવી રાખી હતી. ભારતીય ટીમે પાંચેય અવેજી ખેલાડીઓને મેદાનમાં ઉતારીને તક આપી હતી. મેચના અંતિમ સમય સુધી ભારત સરળતાથી જીતશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ઈન્જરી ટાઈમમાં પાકિસ્તાને વાપસીનો પ્રયાસ કર્યો હતો.

91મી મિનિટે નજીબુલ્લાહે હેડરથી પાકિસ્તાન માટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ 93મી મિનિટે આલમગીર ગાઝીએ વોલી શોટ દ્વારા બીજો ગોલ કરીને સ્કોર 3-2 કર્યો હતો.

પરંતુ અંતિમ ક્ષણોમાં ભારતીય ગોલકીપર અર્શ શેખે સતર્કતા દાખવી પાકિસ્તાનના વધુ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. પરિણામે ભારતે 3-2થી જીત મેળવી SAFF ચેમ્પિયનશિપ 2026માં વિજયી શરૂઆત કરી હતી.

આ પણ વાંચો: Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી, ક્લબ માટે રમશે ખેલાડી