Ind Vs NZ: ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ, વનડે અને T20 બંને સિરીઝ જીતી, શ્રેયસ ઐયરે કોને આપ્યો શ્રેય?


Ind Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડમાં રચ્યો ઈતિહાસ
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે રચ્યો ઈતિહાસ, વનડે અને T20 બંને સિરીઝ જીતી, શ્રેયસ ઐયરે કોને આપ્યો શ્રેય?


Ind Vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડમાં રચ્યો ઈતિહાસ
Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમે 5 મેચની વનડે સિરીઝ 3-1થી જીતીને ઈતિહાસ રચ્યો છે. માઉન્ટ મૌનગાનુઈમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં ભારતે 22 રનથી શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં T20 બાદ વનડે સિરીઝ પણ પોતાના નામે કરી છે. ખાસ વાત એ છે કે ભારતીય ટીમે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ધરતી પર એક જ પ્રવાસમાં વનડે અને T20 બંને સિરીઝ જીતવાની સિદ્ધિ મેળવી છે.
વર્ષ 2024માં ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા બાદ વિદેશી ધરતી પર વનડેમાં ભારતની આ પ્રથમ સિરીઝ જીત છે. છેલ્લી મેચમાં શાનદાર બોલિંગ કરનાર અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
સિરીઝ જીતથી ખુશ છે કેપ્ટન શ્રેયસ ઐયર
મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટીમના પ્રદર્શન પર ખુશી વ્યક્ત કરી હતી. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન તેને કહ્યું કે ન્યૂઝીલેન્ડમાં બદલાતું હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રમવું પડકારજનક હતું. ટીમ મોટો સ્કોર કરવામાં સફળ રહી ન હતી, પરંતુ ખેલાડીઓને પોતાની બોલિંગ અને રણનીતિ પર પૂરો વિશ્વાસ હતો.
શ્રેયસ ઐયરે વધુમાં કહ્યું કે ટીમને વિશ્વાસ હતો કે બોલર્સ કોઈપણ સમયે મેચનું પરિણામ બદલી શકે છે. ખેલાડીઓએ મેદાન પર પોતાની યોજના પ્રમાણે પ્રદર્શન કર્યું અને અંતે ટીમને સિરીઝ જીતાડવામાં સફળ રહ્યા.
શ્રેયસ ઐયરે બોલર્સની કરી પ્રશંસા
શ્રેયસ ઐયરના મતે આ સમગ્ર વનડે સિરીઝ બેટ્સમેન કરતાં બોલર્સના નામે રહી હતી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ભારતીય બોલર્સે શાનદાર અને શિસ્તબદ્ધ બોલિંગ કરી હતી. ટીમના દરેક ખેલાડીમાં જીતવાની મજબૂત માનસિકતા અને સંઘર્ષ કરવાની ભાવના જોવા મળી હતી.
છેલ્લી મેચમાં અર્શદીપ સિંહે 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 50 રનમાં 2 અને અક્ષર પટેલે 28 રનમાં 2 વિકેટ મેળવી હતી. ભારતીય બોલર્સના આ શાનદાર પ્રદર્શનને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ લક્ષ્ય સુધી પહોંચી શકી ન હતી.
ભારતે કેવી રીતે જીતી સિરીઝ?
ભારતે સિરીઝની શરૂઆતની બંને મેચ જીતીને મજબૂત લીડ મેળવી હતી. ત્રીજી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી, જ્યારે ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી. પરંતુ નિર્ણાયક પાંચમી મેચમાં ભારતીય ટીમે 22 રનથી જીત મેળવી 3-1થી સિરીઝ પોતાના નામે કરી હતી.




