ભારત 2027 માં મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીનું કરશે આયોજન, ICC એ જાહેરાત કરી

ICC Women Champions Trophy 2027 India: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે મોટું એલાન કરતાં જણાવ્યું છે કે પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું આયોજન ભારતમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટ 14થી 28...
Rupin Bakraniya
Rupin Bakraniya
ICC Women Champions Trophy 2027 IndiaICC Women Champions Trophy 2027 India

ICC Women Champions Trophy 2027 India

ICC Women Champions Trophy 2027 India: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે મોટું એલાન કરતાં જણાવ્યું છે કે પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું આયોજન ભારતમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટ 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન મુંબઈ અને વડોદરા ખાતે યોજાશે.

શ્રીલંકા પાસેથી હોસ્ટિંગ છીનવાયું, હવે ભારતને તક

આ ટૂર્નામેન્ટનું આયોજન શરૂઆતમાં શ્રીલંકામાં થવાનું હતું. જોકે શ્રીલંકા ક્રિકેટ દ્વારા ICCના જુલાઈમાં નક્કી કરાયેલા જરૂરી સુધારાઓની પ્રક્રિયા ચાલુ હોવાના પગલે ટૂર્નામેન્ટને ભારત ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિકલ્પ તરીકે ભારત, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાનું મૂલ્યાંકન કર્યા બાદ ICCએ ભારતની પસંદગી કરી હતી. આ નિર્ણયને 2 સપ્ટેમ્બરે ICC બોર્ડે મંજૂરી આપી હતી.

મુંબઈ અને વડોદરામાં રમાશે તમામ મેચ

ICCના સત્તાવાર કાર્યક્રમ મુજબ ટૂર્નામેન્ટની તમામ મેચ મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (CCI) અને વડોદરા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. 14 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ સ્પર્ધાની ફાઇનલ 28 ફેબ્રુઆરીએ રમાશે.

6 ટીમો વચ્ચે T20 ફોર્મેટમાં જંગ

આ ઐતિહાસિક ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. તેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામેલ છે. તમામ ટીમો રાઉન્ડ-રોબિન લીગમાં એકબીજા સામે રમશે અને પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો સીધી ફાઇનલમાં પહોંચશે. આ સ્પર્ધા T20 ફોર્મેટમાં યોજાશે.

મહિલા ક્રિકેટ માટે નવો અધ્યાય

ICCના ચેરમેન જય શાહે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીને મહિલા ક્રિકેટ માટે નવા અધ્યાયની શરૂઆત ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ દર વર્ષે એક મોટી ICC મહિલા સ્પર્ધા યોજાવાથી મહિલા ક્રિકેટમાં સતત ગતિ, વધુ સ્થિરતા અને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સ્પર્ધાત્મક માહોલ ઉભો કરવામાં મદદ મળશે.

ભારત હાલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન

ભારત હાલમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ચેમ્પિયન છે, જ્યારે ઓસ્ટ્રેલિયા વર્તમાન ICC મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન છે. હવે બંને સહિત વિશ્વની ટોચની મહિલા ટીમો ભારતની ધરતી પર પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટકરાશે.

મુંબઈ બાદ વડોદરાને પણ આંતરરાષ્ટ્રીય મંચ

આ ટૂર્નામેન્ટથી ગુજરાતના વડોદરાને પણ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મહત્વપૂર્ણ મંચ તરીકે મોટી ઓળખ મળશે. ક્રિકેટ પ્રેમીઓ માટે વડોદરામાં વિશ્વસ્તરીય મહિલા ટીમોની મેચો જોવાનો આ મહત્વનો અવસર બનશે.