Asian Games 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલની જંગ, ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ટીમ સાથે મિલાવશે હાથ?


Asian Games 2026
Asian Games 2026માં ભારત-પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલની જંગ, ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ટીમ સાથે મિલાવશે હાથ?


Asian Games 2026
Asian Games 2026: એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. બંને દેશોની ટીમો જ્યારે પણ મેદાન પર આમને-સામને આવે છે ત્યારે ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ વખતે મેદાન પરની રમતની સાથે ખેલાડીઓ વચ્ચેની 'નો હેન્ડશેક' નીતિ પણ ચર્ચાનો વિષય બની છે. સવાલ એ છે કે શું એશિયન ગેમ્સની ફાઈનલમાં પણ ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળશે?
ક્યારથી ખેલાડીઓએ હાથ મિલાવવાનું ટાળ્યું?
ભારતે ગુરુવારે સેમીફાઈનલમાં શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે ભારતે ટાઈટલ મેચ એટલે કે ગોલ્ડ મેચમાં પાકિસ્તાન સામે ટક્કર થશે. બંને ટીમો વચ્ચે 3 ઓક્ટોબરે મેચ રમાવવાની છે. આ મેચમાં ક્રિકેટના રોમાંચની સાથે મેદાનની બહાર ખેલાડીઓના વર્તન પર પણ સૌની નજર રહેશે.
તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર બાદ ભારતીય મેન્સ ટીમ અને વિમેન્સ ટીમે એશિયા કપ અને ICCની કેટલીક સ્પર્ધાઓમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું. આ પગલાને ભારતીય સશસ્ત્ર દળો પ્રત્યે એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું. હવે સવાલ એ છે કે ભારતીય ટીમ એ જ નીતિ એશિયન ગેમ્સમાં પણ જાળવી રાખશે કે નહીં.
ભારતીય ટીમ મેનેજમેન્ટ શું વલણ અપનાવશે?
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્પર્ધાઓમાં આ મુદ્દો અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. પરંતુ એશિયન ગેમ્સનું આયોજન એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (OCA) દ્વારા કરવામાં આવે છે. OCA અથવા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના નિયમોમાં ખેલાડીઓ માટે હાથ મિલાવવું ફરજિયાત નથી, પરંતુ તેને રમતગમતની ભાવના અને શિષ્ટાચાર સાથે જોડવામાં આવે છે.
આ અગાઉ 2016ના રિયો ઓલિમ્પિકમાં ઈજિપ્તના જુડો ખેલાડી ઈસ્લામ અલ શેહાબીએ ઈઝરાયેલના ખેલાડી સાથે હાથ મિલાવવાની ના પાડી હતી. આ મામલે IOCએ તેમને ઠપકો આપ્યો હતો. હવે ભારત-પાકિસ્તાનની ફાઈનલમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ શું વલણ અપનાવે છે અને મેચ બાદ ખેલાડીઓ હાથ મિલાવે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
આ સિવાય એશિયા કપ ટ્રોફીને લઈને પણ વિવાદ
ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે 13 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈમાં શ્રીલંકાને હરાવીને આઠમી વખત વિમેન્સ એશિયા કપ જીત્યો હતો, પરંતુ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી.
આ વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ઉદ્ભવ્યો છે, જેમ કે સપ્ટેમ્બર 2025માં મેન્સના એશિયા કપ દરમિયાન પણ જોવા મળ્યું હતું, જ્યારે ભારતીય મેન્સ ટીમે પણ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાની ના પાડી હતી. BCCIનું કહેવું છે કે ભારતીય ટીમ એવા નેતાઓ પાસેથી પુરસ્કારો સ્વીકારતી નથી જેમની સાથે દેશના સંબંધો અસ્વસ્થ છે.
આ પણ વાંચો: ICC ODI World Cup 2027નું શેડ્યૂલ જાહેર, 10 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની ટક્કર




