Philippines Ferry Fire: ફિલિપાઇન્સમાં પેસેન્જર ફેરીમાં ભીષણ આગ, 5ના મોત; 87 લોકો લાપતા



Philippines Ferry Fire
Philippines Ferry Fire: ફિલિપાઇન્સમાં પેસેન્જર ફેરીમાં ભીષણ આગ, 5ના મોત; 87 લોકો લાપતા



Philippines Ferry Fire
Philippines Ferry Fire: ફિલિપાઇન્સના પાલાવાન પ્રાંતના કોરોન નજીક પેસેન્જર ફેરી MV June Asterમાં બુધવારે સાંજે ભીષણ આગ લાગતાં હાહાકાર મચી ગયો હતો. ફિલિપાઇન કોસ્ટ ગાર્ડ (PCG)ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 87 લોકો હજુ લાપતા છે. ફેરીમાં કુલ 134 લોકો સવાર હતા, જેમાં 117 મુસાફરો અને 17 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.
મનિલાથી કોરોન જઈ રહી હતી ફેરી
અહેવાલ મુજબ MV June Aster મનિલાથી કોરોન તરફ જઈ રહી હતી. બુધવારે સાંજે લગભગ 6:45 વાગ્યે કોરોન નજીક સમુદ્રમાં ફેરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ બાદ ફેરી સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
42 લોકોને બચાવી લેવાયા
ફિલિપાઇન કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 42 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 38 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. બીજી તરફ 5 મૃતદેહો પણ કિનારે લાવવામાં આવ્યા છે. બાકીના 87 લોકોની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક બચાવ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.
ખરાબ હવામાનથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી
ઘટનાસ્થળે હવામાન ખરાબ હોવા સાથે સમુદ્રમાં ભારે મોજાં અને તેજ પ્રવાહને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની રહી છે. શરૂઆતમાં ફેરી કોરોનના કિનારાથી આશરે 4 નોટિકલ માઇલ દૂર હતી, પરંતુ દરિયાઈ પ્રવાહને કારણે તે વધુ દૂર ખસતી ગઈ હોવાનું કોસ્ટ ગાર્ડે જણાવ્યું છે.
લાપતા લોકોની સંખ્યા બદલાઈ શકે છે
કોસ્ટ ગાર્ડે સ્પષ્ટ કર્યું છે કે 87 લાપતા લોકોનો આંકડો હાલનો છે અને રેસ્ક્યૂ ઓપરેશન આગળ વધતાં તેમાં ફેરફાર થઈ શકે છે. અધિકારીઓ બચાવાયેલા લોકોની ઓળખ અને સમગ્ર પેસેન્જર મેનિફેસ્ટની ચકાસણી પણ કરી રહ્યા છે. આગનું કારણ તથા જહાજમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.




