Rani Mukerjiને રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ: કહ્યું- ‘સિનેમા મારા માટે ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર આ લાગણીનું ઘર’



Rani Mukerji
Rani Mukerjiને રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ: કહ્યું- ‘સિનેમા મારા માટે ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર આ લાગણીનું ઘર’



Rani Mukerji
Rani Mukerji: બોલિવૂડની જાણીતી અભિનેત્રી રાણી મુખર્જીને 62મા મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પ્રતિષ્ઠિત રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મુંબઈના પ્રભાદેવી સ્થિત રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાણી મુખર્જીને આ સન્માન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર સહિત મહારાષ્ટ્ર સરકારના સભ્યો, મહાનુભાવો અને ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
‘મહારાષ્ટ્ર માત્ર રાજ્ય નથી, મારી જન્મભૂમિ અને કર્મભૂમિ છે’
એવોર્ડ સ્વીકાર્યા બાદ રાણી મુખર્જીએ મહારાષ્ટ્ર સાથેના પોતાના ગાઢ સંબંધ વિશે લાગણીસભર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના માટે મહારાષ્ટ્ર માત્ર એક રાજ્ય નથી, પરંતુ તેમની જન્મભૂમિ, કર્મભૂમિ અને જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી રાણીએ ભારતીય સિનેમામાં લગભગ ત્રણ દાયકા લાંબી કારકિર્દી બનાવી છે.
રાજ કપૂરના નામનો એવોર્ડ મળવો ગૌરવની ક્ષણ
રાણીએ કહ્યું કે પોતાના લોકો અને પોતાની જ ભૂમિ તરફથી મળેલું આ સન્માન તેમના માટે ખાસ છે. દિગ્ગજ ફિલ્મકાર અને અભિનેતા રાજ કપૂરના નામ પરથી એવોર્ડ મળવો તેમના માટે અત્યંત ગૌરવ અને નમ્રતાની ક્ષણ હોવાનું તેમણે જણાવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ આ સન્માનને યોગ્ય ઠેરવી શકશે.
‘મુંબઈએ મને મારી ઓળખ અને કારકિર્દી આપી’
મુંબઈ સાથેના સંબંધ અંગે રાણીએ કહ્યું કે મુંબઈએ તેમને ઓળખ, દર્શકો અને કારકિર્દી આપી છે. આ શહેર તેમના માટે ઘર, સુરક્ષિત જગ્યા અને સર્વસ્વ રહ્યું છે. તેમણે લાગણી વ્યક્ત કરી કે જ્યારે પણ તેઓ આ એવોર્ડ તરફ જોશે ત્યારે તેમને માત્ર એક પુરસ્કાર નહીં, પરંતુ ‘મારું મુંબઈ અને મારું મહારાષ્ટ્ર’ દેખાશે.
મહિલાઓના મજબૂત પાત્રો પસંદ કરવાની સફર
રાણી મુખર્જી ‘બ્લેક’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘હિચકી’, ‘મર્દાની’ અને ‘મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે’ જેવી ફિલ્મોમાં પડકારજનક અને મજબૂત મહિલાઓના પાત્રો ભજવી ચૂકી છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા એવી વાર્તાઓ અને પાત્રો તરફ આકર્ષાયા છે, જે તેમને સાચા લાગે અને જેમની સફર તથા સંઘર્ષ સાથે તેઓ ઊંડો સંબંધ અનુભવે.
‘સિનેમા માત્ર વ્યવસાય નથી, એક ઊંડી લાગણી છે’
સિનેમા પ્રત્યેના પોતાના અભિગમ વિશે રાણીએ કહ્યું કે તેમણે ક્યારેય ફિલ્મોને માત્ર વ્યવસાય તરીકે જોઈ નથી. “સિનેમા મારા માટે એક ઊંડી લાગણી છે અને મહારાષ્ટ્ર આ લાગણીનું ઘર છે,” તેમ તેમણે જણાવ્યું. સાથે જ તેમણે મહારાષ્ટ્રના ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા કલાકારો, ટેકનિશિયનો, ફિલ્મકારો અને વાર્તાકારોના યોગદાનને પણ બિરદાવ્યું હતું.
એવોર્ડ મહારાષ્ટ્રના લોકોને સમર્પિત
રાણીએ આ સન્માન મહારાષ્ટ્રના લોકો, કલાકારો, ટેકનિશિયનો, દિગ્દર્શકો અને સમગ્ર ફિલ્મ ફ્રેટર્નિટીને સમર્પિત કર્યું છે. તેમણે કહ્યું કે આ ભૂમિએ અનેક પેઢીના વાર્તાકારોને સપના જોવાની અને તેને પડદા પર સાકાર કરવાની તક આપી છે. રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ તેમના ભારતીય સિનેમામાં યોગદાન તથા મુંબઈ અને મહારાષ્ટ્ર સાથેના લાંબા સમયથી ચાલતા સંબંધનું સન્માન છે.




