Panama Earthquake : પનામામાં ત્રણ દિવસ બાદ ફરી ભૂકંપના જોરદાર આંચકા, 6.1ની તીવ્રતાથી લોકોમાં ભયનો માહોલ


Panama Earthquake
Panama Earthquake : પનામામાં ત્રણ દિવસ બાદ ફરી ભૂકંપના જોરદાર આંચકા, 6.1ની તીવ્રતાથી લોકોમાં ભયનો માહોલ


Panama Earthquake
Panama Earthquake : મધ્ય અમેરિકાના દેશ પનામામાં સતત ભૂકંપના આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ત્રણ દિવસમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઊઠી હતી. મંગળવારે વહેલી સવારે આવેલા 6.1ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, મંગળવારે ભારતીય સમય અનુસાર વહેલી સવારે લગભગ 4:50 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકા અનુભવાતા જ લોકો ઘરો અને ઈમારતોમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનો તથા સુરક્ષિત સ્થળોએ દોડી ગયા હતા. ભૂકંપના કારણે કેટલીક ઈમારતો અને રસ્તાઓને નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા હતા.
નાગરિકોને મદદ પહોંચાડવા માટે ઈમરજન્સી જાહેર કરી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શુક્રવાર અને શનિવારે પનામામાં 7.7 અને 6.6ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, પ્રથમ ભૂકંપના આંચકા રાજધાની પનામા સિટી સુધી અનુભવાયા હતા. અનેક ઈમારતોમાં તિરાડો પડતાં લોકો રાતભર ઘરની બહાર રહેવા મજબૂર બન્યા હતા. સતત ભૂકંપના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પનામા સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ નાગરિકોને મદદ પહોંચાડવા માટે ઈમરજન્સી જાહેર કરી હતી.
ભૂકંપના આંચકાઓને કારણે સ્થિતિ ચિંતાજનક બની
બીજી તરફ, ભારતે પણ પનામા પ્રત્યે એકતાની લાગણી વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પનામાની સરકાર અને લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સોશિયલ મીડિયા પર સંદેશ આપીને ભૂકંપથી પ્રભાવિત લોકો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પનામામાં વારંવાર આવતા ભૂકંપના આંચકાઓને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન અને રાહત કામગીરી અંગેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.





