SCO Summit 2026: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ભારત આવશે પાકિસ્તાની મંત્રી, દિલ્હીમાં SCO સમિટમાં લેશે ભાગ


SCO Summit: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ભારત આવશે પાકિસ્તાની મંત્રી
SCO Summit 2026: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ભારત આવશે પાકિસ્તાની મંત્રી, દિલ્હીમાં SCO સમિટમાં લેશે ભાગ


SCO Summit: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ભારત આવશે પાકિસ્તાની મંત્રી
SCO Summit 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પાકિસ્તાનના કોઈ મંત્રી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન મંત્રી મુસાદિક મસૂદ મલિક આગામી 20થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શનિવારે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી.
3 વર્ષ બાદ પાકિસ્તાની મંત્રીની ભારત મુલાકાત
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુસાદિક મલિક નવી દિલ્હીમાં યોજાનારા SCOના 'સિવિલાઈઝેશનલ ડાયલોગ' કાર્યક્રમમાં ભાગ લેશે. મે 2025માં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત હશે. આ પહેલાં મે 2023માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવામાં યોજાયેલી SCOના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.
આ કાર્યક્રમ માટે શરૂઆતમાં પાકિસ્તાનના સંસ્કૃતિ મંત્રી ઔરંગઝેબ ખાન ખીચીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફોરમનો પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO બેઠક દરમિયાન રજૂ કર્યો હતો. તેનો મુખ્ય હેતુ સંગઠનના 10 સભ્ય દેશો અને 15 સંવાદ ભાગીદાર દેશોની સહિયારી સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવાનો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બંધ
તમને જણાવી દઈએ કે, 2016માં પઠાણકોટ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં સતત તણાવ રહ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં સરતાજ અઝીઝ (2016) અને બિલાવલ ભુટ્ટો (2023) ભારતની મુલાકાતે આવ્યા હતા.
બીજી તરફ, ઓક્ટોબર 2024માં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર SCOની બેઠકમાં ભાગ લેવા ઈસ્લામાબાદ ગયા હતા. પરંતુ ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીતથી અંતર જાળવી રાખ્યું છે. ભારતનું સ્પષ્ટ વલણ છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. આવી સ્થિતિમાં મુસાદિક મલિકની ભારત મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધોના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.




