Miami Airport Plane Collision: મિયામી એરપોર્ટ પર UPS કાર્ગો અને કોપા એરલાઈન્સના વિમાન વચ્ચે ટક્કર, બે લોકોને સામાન્ય ઈજા


Miami Airport Plane Collision News
Miami Airport Plane Collision: મિયામી એરપોર્ટ પર UPS કાર્ગો અને કોપા એરલાઈન્સના વિમાન વચ્ચે ટક્કર, બે લોકોને સામાન્ય ઈજા


Miami Airport Plane Collision News
Miami Airport Plane Collision: અમેરિકાના મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે રાત્રે મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ પર ટેક્સીંગ દરમિયાન UPSના કાર્ગો વિમાન અને કોપા એરલાઈન્સના પેસેન્જર વિમાન વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, બંને વિમાનમાં સવાર અન્ય લોકો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કોપા એરલાઈન્સના વિમાનને રસ્તો આપવા સૂચના આપવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય અનુસાર રાત્રે આશરે 9:15 વાગ્યે એરપોર્ટના બે ટેક્સીવેના આંતરછેદ પર આ અકસ્માત સર્જાયો હતો. કોપા એરલાઈન્સનું બોઈંગ 737 વિમાન પનામા સિટીથી મિયામી પહોંચ્યા બાદ પોતાના નિર્ધારિત ગેટ તરફ જઈ રહ્યું હતું. જ્યારે UPSનું બોઇંગ 767 કાર્ગો વિમાન કોલંબિયાની રાજધાની બોગોટા જવા માટે ઉડાન ભરવાની તૈયારીમાં હતું.
FAAના જણાવ્યા અનુસાર, એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા UPSના પાઈલટને કોપા એરલાઈન્સના વિમાનને રસ્તો આપવા સૂચના આપવામાં આવી હતી. જોકે, ટેક્સીવેના આંતરછેદ પર બંને વિમાન એકબીજાના સંપર્કમાં આવી ગયા હતા. ટક્કર દરમિયાન કોપા એરલાઇન્સના વિમાનની પાંખનો છેડો UPSના વિમાનના આગળના ભાગ સાથે અથડાયો હતો.
મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂની ટીમ ઘટનાસ્થળે પહોંચી
અકસ્માત બાદ મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બે લોકોને સામાન્ય ઈજા થતાં સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નહોતી. ઘટનાના કારણે એરપોર્ટ પર વિમાનોની અવરજવર ખોરવાઈ ન હતી અને વૈકલ્પિક ટેક્સીવે મારફતે વિમાનોનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું હતું.
UPS કંપનીએ પણ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે તેના વિમાનના તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. કંપની તપાસમાં અધિકારીઓને સહયોગ આપી રહી છે. બીજી તરફ, FAA દ્વારા ટક્કર પાછળના કારણો અને એર ટ્રાફિક કંટ્રોલની સૂચનાઓનું પાલન કેવી રીતે થયું તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: India-US Trade Deal: અમેરિકામાં ડેમોક્રેટ્સની જીત છતાં ભારત-US ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં, જયશંકરે વ્યક્ત કરી ટૂંક સમયમાં કરારની આશા




