Europe Flight Bomb Threat: આયર્લેન્ડથી ઈટલી જઈ રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, ફ્રાન્સમાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ

Europe Flight Bomb Threat: યુરોપમાં એક પછી એક અનેક વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે.
Kunjan Shukla
Europe Flight Bomb Threat NewsEurope Flight Bomb Threat News

Europe Flight Bomb Threat News

Europe Flight Bomb Threat: યુરોપમાં એક પછી એક અનેક વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે. આયર્લેન્ડના ડબલિનથી ઈટાલીની રાજધાની રોમ જઈ રહેલી એર લિંગસની ફ્લાઈટને ગુરુવારે બોમ્બની શંકાસ્પદ ધમકી મળતાં તેનું રુટ બદલી ફ્રાન્સ તરફ વાળવામાં આવ્યું હતું. વિમાનનું ફ્રાન્સના એવ્રો એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર 151 મુસાફરો અને છ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તૈનાત કરવામાં આવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તૈનાત કરવામાં આવી હતી. ફ્રાન્સની વાયુસેનાએ પણ ધમકી મળતાં જ પોતાના ફાઈટર જેટ્સને સક્રિય કર્યા હતા. આ દરમિયાન યુરોપના અન્ય દેશોમાં પણ વિમાનોને બોમ્બની ધમકીઓ મળ્યાના અહેવાલો સામે આવ્યા છે. રોમ જતી અને મિલાનથી ઉડાન ભરેલી બે ફ્લાઈટ્સને પણ ધમકી મળી હતી. જ્યારે હેલસિંકીથી રોમ જતી ફ્લાઈટ ઈટાલિયન ફાઈટર જેટ્સની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે ઉતરી હતી. હેલસિંકીથી વિયેના જતી જેટટાઇમ સંચાલિત ફ્લાઇટને પણ ધમકી મળી હતી, જોકે તેનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું.

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

બીજી તરફ, ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ જઈ રહેલા ચાર વિમાનોમાં વિસ્ફોટક હોવાની ધમકી મળતાં એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. તમામ વિમાનોના સુરક્ષિત લેન્ડિંગ બાદ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. તપાસ હવે આતંકવાદ, ઉગ્રવાદ અને સાયબર ક્રાઈમ સંબંધિત રાષ્ટ્રીય કેન્દ્રને સોંપવામાં આવી છે. આ ઉપરાંત બલ્ગેરિયામાં સોફિયા જતી રાયનેરની ત્રણ ફ્લાઈટ્સને પણ ધમકીઓ મળી હતી. બે વિમાનો સુરક્ષિત રીતે સોફિયા પહોંચ્યાં, જ્યારે લંડનથી આવતી ફ્લાઈટને પ્લોવદિવ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. નોંધનીય છે કે મંગળવારે પણ યુરોપની આશરે 10 ફ્લાઇટ્સને આવી ધમકીઓ મળી હતી. સતત મળતી ધમકીઓથી યુરોપના એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Strait of Hormuz: ભારત સહિત 4 દેશના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ, ઈરાને લીધો મોટો નિર્ણય