Nepal: નેપાળમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર, એક ભારતીય નાગરિકનું મોત

Nepal: નેપાળના સોલુખુમ્બુમાં ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ દરમિયાન 2 હેલિકોપ્ટર અથડાયાં. દુર્ઘટનામાં ભારતીય નાગરિકનું મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો.
Nancy Shukla
Nepal: નેપાળમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કરNepal: નેપાળમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર

Nepal: નેપાળમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર

Nepal: નેપાળના સોલુખુમ્બુ જિલ્લામાં લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થતાં મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં એક ભારતીય નાગરિકનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.

લેન્ડિંગ દરમિયાન બંને હેલિકોપ્ટરના પંખા અથડાયા

મળતી માહિતી અનુસાર, નેપાળના સોલુખુમ્બુ જિલ્લાના ફેરીચે હેલિપેડ પર લેન્ડિંગ કરતી વખતે ફિસ્ટેલ એર અને ડાયનેસ્ટી એરનાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે, બંને હેલિકોપ્ટરનાં પંખા એકબીજા સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થતી જોવા મળે છે. અકસ્માત સમયે ઘટનાસ્થળની નજીક કેટલાક લોકો પણ હાજર હતા.

મૃતક ભારતીય નાગરિક, એક વ્યક્તિ ઘાયલ

સોલુખુમ્બુ જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં 47 વર્ષના ભારતીય નાગરિક વસંત કુમાર બલારા માડુનું મોત થયું છે. જ્યારે ઘાયલ વ્યક્તિની ઓળખ 53 વર્ષના શૈલેશ કિશન પટેલ તરીકે થઈ છે, જેઓ ભારતીય મૂળના ન્યૂઝીલેન્ડના નાગરિક હોવાનું જણાવાયું છે.

આ સિવાય ફિસ્ટેલ એર હેલિકોપ્ટરના પાઈલટને પણ સામાન્ય ઈજા થઈ છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે માઉન્ટેન હેલિકોપ્ટર દ્વારા ખસેડવામાં આવ્યો હતો. મૃતકનો મૃતદેહ પ્રભુ હેલિકોપ્ટર મારફતે લુકલા લાવવામાં આવ્યો હતો.

અમેરિકાના ફ્લોરિડામાં પણ વિમાન દુર્ઘટના

બીજી તરફ, અમેરિકાના ફ્લોરિડામાં પણ એક અલગ વિમાન દુર્ઘટના સામે આવી છે. સાઉથ ફ્લોરિડાના ક્રેસ્ટહેવન વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં એક બિઝનેસ જેટ ક્રેશ થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયાં હતાં. આ વિમાન પામ બીચ કાઉન્ટીમાં બપોરે આશરે 12:50 વાગ્યે ક્રેશ થયું હતું અને ત્યારબાદ આગનો મોટો ગોળો જોવા મળ્યો હતો. આ સ્થળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટથી આશરે 9 માઈલ દૂર હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: Nepal Snowfall: નેપાળમાં ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા 6 ભારતીય પ્રવાસીઓનું રેસ્ક્યૂ, હેલિકોપ્ટરથી સુરક્ષિત બહાર કઢાયા