Oman Ship Attack: ઓમાનના દરિયાકાંઠે કાર્ગો શિપ પર હુમલો, એક ભારતીય નાવિકનું મોત

Oman Ship Attack: ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ભારતીય ધ્વજ ધરાવતા વ્યાવસાયિક જહાજ 'એમએસવી અલ જુસુફી' પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે.
Kunjan Shukla
attack on MSV Al Jussufiattack on MSV Al Jussufi

attack on MSV Al Jussufi

Oman Ship Attack: ઓમાનના દરિયાઈ વિસ્તારમાં ભારતીય ધ્વજ ધરાવતા વ્યાવસાયિક જહાજ 'એમએસવી અલ જુસુફી' પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે. આ ઘટનાને લઈને ભારત સરકારે સખત નારાજગી વ્યક્ત કરી છે અને હુમલાની આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે મંગળવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને મૃતક નાવિકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

આ જહાજમાં કુલ 14 ભારતીય નાવિકો સવાર હતા

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2 નવેમ્બરના રોજ ઓમાનના લિમાહ નજીક વ્યાવસાયિક જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં કુલ 14 ભારતીય નાવિકો સવાર હતા. હુમલા બાદ ઓમાનના તટરક્ષક દળ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક નાવિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

જહાજો પર હુમલાની ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓમાનમાં આવેલી ભારતીય એમ્બેસી સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. બચાવી લેવામાં આવેલા ભારતીય નાગરિકો તેમજ મૃતક નાવિકના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે ઓમાની અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાવસાયિક જહાજો અને માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાની ઘટનાઓને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવા હુમલાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ. સાથે જ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને ઘટાડવા અને કૂટનીતિક માધ્યમથી સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી છે.

વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દરિયાઈ માર્ગો પર જહાજોની અવરજવર અને વેપાર ફરીથી કોઈપણ અવરોધ વિના શરૂ થાય તે જરૂરી ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 22 ભારતીય નાગરિકોના મોત થયા હોવાની ભારત સરકારે અગાઉ પુષ્ટિ કરી હતી. તેમાં 14 નાવિકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: US Midterm Elections 2026: અમેરિકામાં મિડટર્મ ચૂંટણી યોજાઈ, ટ્રમ્પના ભવિષ્ય પર નજર