US Midterm Elections 2026: અમેરિકામાં મિડટર્મ ચૂંટણી યોજાઈ, ટ્રમ્પના ભવિષ્ય પર નજર


અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની લોકપ્રિયતાની કસોટી
US Midterm Elections 2026: અમેરિકામાં મિડટર્મ ચૂંટણી યોજાઈ, ટ્રમ્પના ભવિષ્ય પર નજર


અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની લોકપ્રિયતાની કસોટી
US Midterm Elections 2026: અમેરિકામાં આજે, 3 નવેમ્બર 2026ના રોજ મિડટર્મ ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી કોંગ્રેસમાં પોતાનું વર્ચસ્વ જાળવી શકશે કે પછી ડેમોક્રેટિક પાર્ટી બહુમતી મેળવીને રાજકીય સમીકરણ બદલી નાખશે, તેના પર સૌની નજર છે. આ ચૂંટણી માત્ર અમેરિકાની સંસદનું ભવિષ્ય જ નહીં, પરંતુ ટ્રમ્પના કાર્યકાળનાં આગામી બે વર્ષનું રાજકીય વાતાવરણ પણ નક્કી કરી શકે છે.
હાઉસની તમામ 435 અને સેનેટની 35 બેઠકો પર ચૂંટણી
અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત 36 રાજ્યોમાં ગવર્નરની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દર ચાર વર્ષે યોજાય છે, જ્યારે મિડટર્મ ચૂંટણી રાષ્ટ્રપતિના કાર્યકાળનાં બે વર્ષ પૂર્ણ થતાં યોજાય છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિનું પદ દાવ પર હોતું નથી, પરંતુ કોંગ્રેસનાં બંને ગૃહોમાં કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે તે નક્કી થાય છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી માટે 218 બેઠકો જરૂરી છે. જ્યારે સેનેટમાં સામાન્ય રીતે 51 બેઠકો બહુમતી માટે જરૂરી બને છે. જો સેનેટમાં બંને પક્ષોની બેઠકો 50-50 થાય તો ઉપરાષ્ટ્રપતિનો નિર્ણાયક મત મહત્વનો બને છે.
રિપબ્લિકન પાસે સાંકડી બહુમતી, ડેમોક્રેટ્સની નજર નિયંત્રણ પર
રોઇટર્સના વિશ્લેષણ મુજબ, ચૂંટણી પહેલાં રિપબ્લિકન પાર્ટી પાસે હાઉસ અને સેનેટ બંનેમાં સાંકડી બહુમતી હતી. ડેમોક્રેટ્સને બંને ગૃહોમાં નિયંત્રણ મેળવવા માટે ચાર-ચાર બેઠકોનો ચોખ્ખો ફાયદો મેળવવો જરૂરી છે. ચૂંટણી પૂર્વેના સર્વે અને વિશ્લેષણોમાં હાઉસમાં ડેમોક્રેટ્સને ફાયદો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી હતી, જ્યારે સેનેટની સ્પર્ધા વધુ નજીકની માનવામાં આવી રહી હતી. જોકે, અંતિમ ચિત્ર ચૂંટણીનાં પરિણામો બાદ જ સ્પષ્ટ થશે.
મતદારો માટે અર્થતંત્ર સૌથી મોટો મુદ્દો
ચૂંટણીમાં મતદારો કયા મુદ્દાઓને મહત્વ આપી રહ્યા છે તે અંગે પ્યૂ રિસર્ચ સેન્ટરના 8 ઓક્ટોબર, 2026ના અહેવાલમાં મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન નોંધાયેલા મતદારો વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં 84 ટકા લોકોએ અર્થતંત્રને પોતાના મતદાન માટે અત્યંત મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો. જ્યારે 73 ટકા મતદારોએ લોકશાહીના ભવિષ્ય, 68 ટકાએ આરોગ્ય સેવાઓ અને 59 ટકાએ ઇમિગ્રેશનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણ, વિદેશ નીતિ, ઊર્જા અને મોંઘવારી જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં છે.
ડેમોક્રેટ્સ જીતે તો ટ્રમ્પ સામે શું બદલાશે?
જો ડેમોક્રેટિક પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી મેળવે તો તેને સંસદીય સમિતિઓ પર નિયંત્રણ મળી શકે છે. આ સમિતિઓ ટ્રમ્પ સરકારની નીતિઓ અને વહીવટીતંત્રની કામગીરીની તપાસ કરી શકે છે. સરકારી અધિકારીઓને સવાલો પૂછવા અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ સમન્સ પાઠવવાની સત્તાનો ઉપયોગ પણ થઈ શકે છે.
જો ડેમોક્રેટ્સ સેનેટમાં પણ બહુમતી મેળવે તો ટ્રમ્પ માટે મંત્રીઓ, રાજદૂતો અને ફેડરલ ન્યાયાધીશોની નિમણૂકોને મંજૂરી અપાવવી વધુ પડકારજનક બની શકે છે. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ઘણી મહત્વપૂર્ણ નિમણૂકો કરે છે, પરંતુ તેના માટે સેનેટની મંજૂરી જરૂરી હોય છે.
શું ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ જોખમમાં આવશે?
મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી હારી જાય તો પણ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદ આપમેળે જતું નથી. તેઓ 2028માં કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહેશે. તેમની પાસે વીટો પાવર અને બંધારણ હેઠળ મળેલી એક્ઝિક્યુટિવ સત્તાઓ યથાવત રહેશે. જો કોંગ્રેસ ટ્રમ્પની વિરુદ્ધ કોઈ બિલ પસાર કરે તો તેઓ તેના પર વીટો લગાવી શકે છે. જોકે, કોંગ્રેસનાં બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીથી આ વીટોને રદ કરી શકાય છે.
ડેમોક્રેટ્સ હાઉસમાં બહુમતી મેળવે તો ટ્રમ્પ સામે મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટની કાર્યવાહી શરૂ કરવાની રાજકીય શક્યતા પણ ઊભી થઈ શકે છે. ઇમ્પીચમેન્ટના આરોપો હાઉસમાં સામાન્ય બહુમતીથી મંજૂર થાય તો મામલો સેનેટમાં ટ્રાયલ માટે જાય છે. પરંતુ રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા માટે સેનેટમાં હાજર સભ્યોના બે તૃતીયાંશ મતથી દોષિત ઠરાવવું જરૂરી છે. એટલે માત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીતથી ટ્રમ્પને પદ પરથી હટાવી શકાતા નથી.
ભારત સહિતના દેશો પર પણ પડી શકે અસર
કોંગ્રેસમાં સત્તાનું સમીકરણ બદલાય તો અમેરિકાની વેપાર નીતિ, ટેરિફ, ઇમિગ્રેશન અને સરકારી ખર્ચ જેવા મુદ્દાઓ પર રાજકીય ખેંચતાણ વધી શકે છે. તેની અસર ભારત સહિતના દેશો સાથેના આર્થિક અને રાજદ્વારી સંબંધો પર પણ પડી શકે છે. જોકે, વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના અનેક નિર્ણયો લેવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે પણ રહે છે.
આ ચૂંટણીને 2028માં યોજાનારી અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં બંને પક્ષો માટે મહત્વપૂર્ણ રાજકીય પરીક્ષા તરીકે જોવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે અમેરિકાની જનતા રિપબ્લિકન પાર્ટીને કોંગ્રેસમાં બહુમતી જાળવી રાખવાની તક આપે છે કે ડેમોક્રેટિક પાર્ટીને સત્તાનું સમીકરણ બદલવાની તક મળે છે. પરિણામો નક્કી કરશે કે ટ્રમ્પના બાકીના બે વર્ષમાં વ્હાઇટ હાઉસ અને કોંગ્રેસ વચ્ચે કેવું રાજકીય સમીકરણ રહેવાનું છે.





