Strait of Hormuz: ભારત સહિત 4 દેશના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ, ઈરાને લીધો મોટો નિર્ણય

Strait of Hormuz: ઈરાને ભારત સહિત ચાર દેશોનાં કોમર્શિયલ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટના ટ્રાન્ઝિટ પ્રતિબંધોમાંથી છૂટ આપી છે. ભારત માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે.
Nancy Shukla
Strait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને લીધો મોટો નિર્ણયStrait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને લીધો મોટો નિર્ણય

Strait of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને લીધો મોટો નિર્ણય

Strait of Hormuz: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર પર લાગેલા પ્રતિબંધો વચ્ચે ઈરાને ભારત સહિત 4 દેશને મોટી રાહત આપી છે. ઈરાને ભારત, ચીન, ઈરાક અને કતારનાં કોમર્શિયલ જહાજોને આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પરથી પસાર થવા માટે લાગુ ટ્રાન્ઝિટ પ્રતિબંધોમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત-મોગદ્દમે આ અંગે માહિતી આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ તેમણે જણાવ્યું કે આ 4 દેશોનાં જહાજોને હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાન્ઝિટ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આ દેશોનાં જહાજો સરળતાથી પસાર થઈ શકે છે અને અમેરિકી પક્ષ દ્વારા પણ તેમને રોકવામાં આવતા નથી.

ભારત અને ચીનને છૂટ આપવા પાછળ શું છે કારણ?

મીડિયા રિપોર્ટ મુજબ આ નિર્ણય પાછળ ઈરાનની રાજદ્વારી અને આર્થિક જરૂરિયાતો જવાબદાર છે. ભારતને આપવામાં આવેલી છૂટનો હેતુ ભારતમાંથી દવાઓની આયાત સરળ બનાવવાનો છે. જ્યારે ચીનને રાહત આપવાનો નિર્ણય બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાની જરૂરિયાત સાથે જોડાયેલો છે.

તેમને વધુમાં જણાવ્યું કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં ભારતીય અને ચીની જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલે છે. પરંતુ કતારનાં જહાજોને કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વિના પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

હોર્મુઝ સ્ટ્રેટ પર કેમ છે દુનિયાની નજર?

હોર્મુઝ સ્ટ્રેટ પર્સિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના તેલ વેપાર માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. યુરોપિયન યુનિયનના જણાવ્યા મુજબ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની નૌકાદળે જહાજોની અવરજવર માટે નવી વ્યવસ્થા શરૂ કરી છે. આ અંતર્ગત જહાજોએ પસાર થવાની મંજૂરી મેળવવા માટે પોતાના કાર્ગો, ગંતવ્ય સ્થળ અને ઓળખ સંબંધિત વિગતો આપવી પડે છે.

ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ

ભારત પોતાની જરૂરિયાતનું આશરે 90 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. તેમાંથી લગભગ 30 ટકા આયાત હોર્મુઝ સ્ટ્રેટ મારફતે થાય છે. અગાઉ ભારતની ક્રૂડ ઓઈલ સપ્લાયનો આશરે 70 ટકા હિસ્સો આ માર્ગ પર નિર્ભર હતો. પરંતુ સમય જતાં ભારતે અન્ય દેશમાંથી પણ તેલની આયાત વધારીને સપ્લાયના સ્ત્રોતોમાં વિવિધતા લાવી છે.

ફેબ્રુઆરી 2026માં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ આ દરિયાઈ માર્ગ પરથી જહાજોની અવરજવર પર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO)ના જણાવ્યા મુજબ સંઘર્ષ શરૂ થયા બાદ ઓગસ્ટ સુધીમાં વ્યાપારી જહાજો પર ઓછામાં ઓછા 70 હુમલા થયા હતા, જેમાં 19 ખલાસીઓનાં મોત થયાં હતાં.

આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ ચેતવણી આપી હતી કે અમેરિકા કે અન્ય કોઈ દેશ ફરીથી ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરશે તો તે અવિચારી પગલું ગણાશે. તેમણે તેહરાનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો: Nepal: નેપાળમાં બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર, એક ભારતીય નાગરિકનું મોત