Egypt Train Accident: ઇજિપ્તમાં બે ટ્રેનો વચ્ચે અકસ્માતમાં 7નાં મોત, 112 ઘાયલ


Egypt Giza train accident rescue operation news ઇજિપ્ત ટ્રેન અકસ્માત
Egypt Train Accident: ઇજિપ્તમાં બે ટ્રેનો વચ્ચે અકસ્માતમાં 7નાં મોત, 112 ઘાયલ


Egypt Giza train accident rescue operation news ઇજિપ્ત ટ્રેન અકસ્માત
Egypt Train Accident: ઇજિપ્તના ગીઝા ગવર્નરેટમાં બે ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો છે, જ્યારે 112 લોકો ઘાયલ થયા છે. ઇજિપ્તના આરોગ્ય અને વસ્તી મંત્રાલયે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટા પાયે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે ગીઝા અને નજીકના બેની સુએફ ગવર્નરેટની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી 45 લોકોને તબિયતમાં સુધારો થયા બાદ સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે અન્ય 7 દર્દીઓને પણ ટૂંક સમયમાં રજા આપવામાં આવે તેવી શક્યતા છે. બાકીના ઘાયલોની સારવાર તબીબી દેખરેખ હેઠળ ચાલી રહી છે.
72 એમ્બ્યુલન્સ સાથે બચાવ કામગીરી હાથ ધરાઈ
અકસ્મતમાં ઘાયલોને બચાવવા અને હોસ્પિટલ પહોંચાડવા માટે 72 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. બચાવ ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઇજિપ્તના આરોગ્ય મંત્રી ખાલેદ અબ્દેલ ગફ્ફારે ગીઝા અને બેની સુએફ ગવર્નરેટની આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા ઘાયલોને જરૂરી તબીબી અને કટોકટીની સારવાર પૂરી પાડવા સૂચના આપી હતી.
રાષ્ટ્રપતિએ તપાસ અને કાર્યવાહીના આપ્યા આદેશ
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ કરીને દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. રાષ્ટ્રપતિએ સંબંધિત સરકારી એજન્સીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવા, અકસ્માતની ઝડપી તપાસ કરવા અને કોઈની બેદરકારી સામે આવે તો જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ
ઇજિપ્તની નેશનલ રેલવે ઓથોરિટીના જણાવ્યા અનુસાર, કફર અમ્માર અને અલ-રક્કા સ્ટેશન વચ્ચે આ અકસ્માત થયો હતો. ગીઝા-ફયુમ રૂટ પર દોડી રહેલી એક ટ્રેન કૈરો-અસવાન રૂટ પર દોડી રહેલી બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ઇમરજન્સી ટીમો અને ક્રેન્સ મોકલવામાં આવી હતી. ક્ષતિગ્રસ્ત ડબ્બાઓને હટાવી બંને દિશામાં રેલવે સેવા શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
2002માં ટ્રેનમાં આગથી 380થી વધુનાં મોત થયાં હતાં
ઉલ્લેખનીય છે કે ઇજિપ્તનું રેલવે નેટવર્ક જૂનાં સાધનો અને નબળા વ્યવસ્થાપનને કારણે લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2002માં કૈરો-લક્સર ટ્રેનમાં આગ લાગતાં 380થી વધુ લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના ઇજિપ્તના ઇતિહાસની સૌથી ભયાનક રેલવે દુર્ઘટનાઓમાંની એક ગણાય છે.
આ પણ વાંચો : Punjab Stubble Burning: પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં મોટો ઉછાળો




