Punjab Stubble Burning: પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં મોટો ઉછાળો


Punjab stubble burning cases record surge Sangrur પંજાબ પરાળી
Punjab Stubble Burning: પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓમાં મોટો ઉછાળો


Punjab stubble burning cases record surge Sangrur પંજાબ પરાળી
Punjab Stubble Burning: પંજાબમાં દિવાળીના દિવસે પરાળી સળગાવવાની ઘટનાઓમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. 8 નવેમ્બરના રોજ રાજ્યમાં એક જ દિવસમાં પરાળી સળગાવવાની 1,152 ઘટનાઓ સામે આવી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં 8 નવેમ્બરના દિવસે નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. આ સાથે ચાલુ સિઝનમાં પરાળી સળગાવવાના કુલ કેસ વધીને 4,459 થયા છે. જિલ્લામાં સંગરૂર સૌથી આગળ રહ્યું હતું, જ્યાં એક જ દિવસમાં 194 આગની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે રૂપનગરમાં સૌથી ઓછો માત્ર એક કેસ સામે આવ્યો હતો.
પંજાબ રિમોટ સેન્સિંગ સેન્ટર (PRSC)ના સત્તાવાર આંકડા મુજબ, 8 નવેમ્બરે ઉપગ્રહ દ્વારા સમગ્ર રાજ્યમાં પરાળીની આગની કુલ 1,152 સક્રિય ઘટનાઓ નોંધવામાં આવી હતી. આ આંકડો તેના આગલા દિવસની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે છે. 7 નવેમ્બરે રાજ્યમાં પરાળી સળગાવવાના માત્ર 163 કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં આટલો મોટો વધારો થતાં હવામાં પ્રદૂષણ વધવાની ચિંતા પણ વધી છે.
ત્રણ વર્ષમાં આટલી મોટી સંખ્યા પહેલીવાર
આંકડા પ્રમાણે, 8 નવેમ્બરના રોજ પરાળી સળગાવવાની ઘટનાઓમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મોટો તફાવત જોવા મળ્યો છે. વર્ષ 2024માં આ દિવસે 730 આગની ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2025માં આ આંકડો ઘટીને 238 રહ્યો હતો. જોકે, વર્ષ 2026માં એક જ દિવસમાં 1,152 ઘટનાઓ નોંધાતા અગાઉના બંને વર્ષના આંકડા કરતાં મોટો વધારો થયો છે.
દર વર્ષે ધાનની કાપણીની સિઝન દરમિયાન પંજાબમાં પરાળી સળગાવવાની ઘટનાઓ સામે આવે છે. રાજ્ય સરકાર દ્વારા આવા કેસોમાં ઘટાડો થવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ તાજેતરના આંકડા ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. આ ડેટા વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)ના નિર્દેશો હેઠળ PRSC દ્વારા ઉપગ્રહ આધારિત રિમોટ સેન્સિંગ અને નિર્ધારિત માનક પ્રોટોકોલ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.
62 લાખથી વધુનો દંડ, 900 સામે FIR
પરાળી સળગાવવાની વધતી ઘટનાઓને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે અત્યાર સુધીમાં 62 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી 33 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા આશરે 900 લોકો સામે FIR નોંધવામાં આવી છે. જ્યારે મહેસૂલી રેકોર્ડમાં 1,017 સ્થળે 'રેડ એન્ટ્રી' એટલે કે લાલ નિશાન પણ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : Alia Bhatt Diwali: નવા ઘર 'કૃષ્ણા રાજ'માં પરિવાર સાથે મનાવી દિવાળી




