Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનું 'લોકડાઉન', હિંસા અને બોમ્બ બ્લાસ્ટથી મચી અફરાતફરી


Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીએ લોકડાઉન લગાવ્યું
Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીનું 'લોકડાઉન', હિંસા અને બોમ્બ બ્લાસ્ટથી મચી અફરાતફરી


Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીએ લોકડાઉન લગાવ્યું
Bangladesh Lockdown: બાંગ્લાદેશમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા 19 નવેમ્બરે દેશવ્યાપી 'લોકડાઉન'નું એલાન કરવામાં આવ્યું હતું. તેના પગલે બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં દુકાનો, વેપાર-ધંધા અને વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી. બીજી તરફ અનેક સ્થળોએ આગચંપી, બોમ્બ વિસ્ફોટ, તોડફોડ અને હિંસાની ઘટનાઓ સામે આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે BNP સરકાર દ્વારા 7 જિલ્લાઓમાં આશરે 3,000 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા.
7 જિલ્લાઓમાં 3,000 સુરક્ષાકર્મીઓ તહેનાત
ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઢાકા, ચટગાંવ, નારાયણગંજ, ગાઝીપુર, ગોપાલગંજ, મયમનસિંહ અને ફરીદપુરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની 96 પ્લાટૂન તહેનાત કરવામાં આવી હતી. તેમાં આશરે 3,000 જવાનોનો સમાવેશ થાય છે. ગોપાલગંજમાં 27, ઢાકામાં 23 અને ચટગાંવમાં 15 પ્લાટૂન તહેનાત કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશન અને વાહનોને આગ ચાંપી
લોકડાઉન દરમિયાન ગોપાલગંજમાં હિંસાની અનેક ઘટનાઓ બની હતી. કાશિયાની વિસ્તારમાં સાંસદ સેલિમુઝમાન મોલ્લાના ઘર સહિત તેમના સંબંધીઓ અને સમર્થકોનાં મકાનોમાં આગચંપી કરવામાં આવી હતી. આ ઉપરાંત કાશિયાની પોલીસ સ્ટેશનને પણ આગ લગાવવામાં આવી હતી. ફાયર સર્વિસના અધિકારી શિપ્લુ અહેમદના જણાવ્યા પ્રમાણે, વિસ્તારમાં ઊભેલાં 10 વાહનોને પણ આગ ચાંપવામાં આવી હતી.
બીજી તરફ, નારાયણગંજ, મયમનસિંહ અને રાજશાહીમાં 5 બસ અને 1 ટ્રકને આગ લગાવવાની ઘટનાઓ સામે આવી હતી. ચટગાંવમાં પૂર્વ વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસના પૈતૃક મકાનમાં પણ આગચંપી કરવામાં આવી હતી.
ઢાકામાં બોમ્બ બ્લાસ્ટ, 4 લોકો ઘાયલ
રાજધાની ઢાકામાં પણ અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટ અને તોડફોડની ઘટનાઓ બની હતી. અગરગાંવ વિસ્તારમાં મેટ્રો રેલવે સ્ટેશનની નીચે દેશી બોમ્બ ફોડવામાં આવ્યો હતો. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઢાકામાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા હતા.
565 લોકોની ધરપકડ
બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટ મુજબ લોકડાઉન પહેલાં ઢાકા પોલીસે 24 કલાકના અભિયાનમાં 565 લોકોની ધરપકડ કરી હતી. તેમાં પૂર્વ શિક્ષણમંત્રી નૂરુલ ઈસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટ, 2024ના રોજ સત્તા ગુમાવ્યા બાદ શેખ હસીના ભારત આવી ગયાં હતાં અને ત્યારથી ભારતમાં રહે છે. બાંગ્લાદેશની એક વિશેષ ટ્રિબ્યુનલે માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. બીજી તરફ, વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગની રાજકીય વાપસી રોકવા માટે લોકશાહી શક્તિઓને એકજૂથ થવાનું આહ્વાન કર્યું છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બાંગ્લાદેશમાં રાજકીય અને સુરક્ષાની સ્થિતિ તણાવપૂર્ણ બની છે.




