Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ, પૂર્વ શિક્ષણમંત્રી અને અભિનેત્રીની ધરપકડ, BNPના બે નેતાઓની હત્યા

Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા 19 નવેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું.
Kunjan Shukal
Kunjan Shukal
બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યોબાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો

બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો

Bangladesh Political Crisis: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા 19 નવેમ્બરે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ દરમિયાન પોલીસે પૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઈસ્લામ નાહિદ અને ફિલ્મ અભિનેત્રી જ્યોતિકા જ્યોતિની ધરપકડ કરી છે. બીજી તરફ નરૈલ જિલ્લામાં BNPના બે નેતાઓની હત્યા કરવામાં આવી છે.

પાર્ટી પરથી પ્રતિબંધ હટાવવાની માગ સાથે બંધનું એલાન આપ્યું

અવામી લીગે શેખ હસીનાની વાપસી અને પાર્ટી પરથી પ્રતિબંધ હટાવવાની માગ સાથે બંધનું એલાન આપ્યું છે. હસીના ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન પદ છોડીને ભારત આવી ગયા હતા. હવે તેમણે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમની પાર્ટીએ 14થી 19 નવેમ્બર સુધી રેલીઓ, વિરોધ પ્રદર્શન અને બંધ સહિત વિવિધ કાર્યક્રમો જાહેર કર્યા છે.

અલગ-અલગ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો તૈનાત

બંધને ધ્યાનમાં રાખીને સરકારે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે અને અલગ-અલગ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો તૈનાત કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 10 દિવસમાં ઓછામાં ઓછા 28 જિલ્લાઓમાં બોમ્બ વિસ્ફોટ થયા છે અને અનેક વાહનોમાં આગ લગાડવામાં આવી છે. ઢાકામાં પ્રતિબંધિત સંગઠનો સાથે સંકળાયેલા 71 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બે નેતાઓના મોત થયા

નુરુલ ઇસ્લામ નાહિદની ઢાકાના ઉત્તરા વિસ્તારમાંથી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના કેસોમાં તેમની સામે આરોપો નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે. અભિનેત્રી જ્યોતિકા જ્યોતિની પણ તેમના સરકારી નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે, જોકે તેમની ધરપકડનું કારણ પોલીસે સ્પષ્ટ કર્યું નથી.

નરૈલ જિલ્લાના કાલિયા વિસ્તારમાં BNPની રેલી પર થયેલા હુમલામાં શાહિન અને સોહેલ મોલ્લા નામના બે નેતાઓના મોત થયા છે. બાંગ્લાદેશમાં સતત વધતી હિંસા અને રાજકીય વિરોધના કારણે સ્થિતિ વધુ તંગ બની રહી છે.

આ પણ વાંચો: Russia Military Plane Crash: સાઇબિરીયાના કેમેરોવોમાં રશિયન સેનાનું An-12 વિમાન ક્રેશ થતાં તમામ 19 લોકોનાં મોત, ટેકનિકલ ખામીની આશંકા