Larak Island: ઈરાનના લારક દ્વીપ પર અમેરિકાનો હુમલો, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો



Larak Island
Larak Island: ઈરાનના લારક દ્વીપ પર અમેરિકાનો હુમલો, અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો



Larak Island
Larak Island: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર વધી ગયો છે. અમેરિકી સેનાએ રવિવારે સ્થાનિક સમય મુજબ ઈરાનના લારક દ્વીપ પર કાર્યવાહી કરતા ત્યાં હાજર બે લોન્ચર્સને નિશાન બનાવ્યા હોવાનું અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ જણાવ્યું છે. આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચે ફરીથી સૈન્ય તણાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
અમેરિકાએ બે લોન્ચર્સને બનાવ્યા નિશાન
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સના જણાવ્યા મુજબ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના જવાનો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરિયાઈ સુરંગો સાથે રોકેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ અમેરિકી સેનાએ બે લોન્ચર્સને નિશાન બનાવ્યા.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમેરિકાની નજર
અમેરિકાએ જણાવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે. વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક એવા આ માર્ગ પરથી વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર જળવાઈ રહે તે માટે અમેરિકી સેના તૈયાર છે.
ઈરાને હુમલાનો બદલો લેવાની આપી ચેતવણી
બીજી તરફ ઈરાનની IRGCએ દાવો કર્યો છે કે લારક દ્વીપ પર થયેલા અમેરિકા-ઈઝરાયલ હુમલામાં કેટલાક સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. IRGCએ હુમલાનો જવાબ આપવાની ચેતવણી આપતાં કહ્યું છે કે હુમલાખોરોને તેની સજા મળશે.
ઓછામાં ઓછા બે લોકોનાં મોતનો દાવો
ઈરાનની અર્ધ-સરકારી તસ્નીમ ન્યૂઝ એજન્સીએ અનૌપચારિક અહેવાલોને ટાંકીને જણાવ્યું કે કથિત અમેરિકી ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા બે લોકોનાં મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ હજુ થઈ નથી.
એક મહિનાથી વધુ સમય બાદ અમેરિકાની કાર્યવાહી
અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની દળો દ્વારા દરિયાઈ સુરંગો બિછાવવાની તૈયારી જોવા મળ્યા બાદ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, ઈરાનના ઠેકાણાઓ સામે એક મહિનાથી વધુ સમય બાદ અમેરિકાની આ પ્રથમ સૈન્ય કાર્યવાહી છે.
ટ્રમ્પની ‘ઝીરો ટોલરન્સ’ ચેતવણી
આ ઘટના પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં નવી દરિયાઈ સુરંગો બિછાવનાર જહાજો કે બોટ્સ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે નવી સુરંગો બિછાવવાની કોઈપણ કોશિશ સામે અમેરિકાની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ લાગુ રહેશે તેમ જણાવ્યું હતું.
લારક દ્વીપ હોર્મુઝ સ્ટ્રેટ નજીક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલું છે. તાજેતરની સૈન્ય કાર્યવાહી બાદ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ ગંભીર સ્વરૂપ લે છે કે નહીં તેના પર સમગ્ર વિશ્વની નજર છે.




