Get News Alerts

Never miss breaking news updates.

Swaminarayan Temple: પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, હિન્દુ મંદિરના લોકાર્પણનો માર્ગ મોકળો

Swaminarayan Temple: ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ થયો છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Aug 2026 07:14 PM IST
Swaminarayan Temple: પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન,  હિન્દુ મંદિરના લોકાર્પણનો માર્ગ મોકળોSwaminarayan Temple: પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન,  હિન્દુ મંદિરના લોકાર્પણનો માર્ગ મોકળો

Swaminarayan Temple

Swaminarayan Temple: ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે ઐતિહાસિક ક્ષણનો પ્રારંભ થયો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું 29 ઓગસ્ટે બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે આગમન થયું છે. તેમની ઉપસ્થિતિમાં 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવશે.

મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત

યુરોપ અને વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહંત સ્વામી મહારાજના સ્વાગત માટે એકત્ર થયા હતા. મંદિર તરફના માર્ગ પર ભક્તોએ બંને બાજુ ઊભા રહી તેમનું સ્વાગત કર્યું હતું. પરંપરાગત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

6 સપ્ટેમ્બરે મંદિરનું લોકાર્પણ

મહંત સ્વામી મહારાજે પેરિસમાં નવનિર્મિત મંદિરનું પ્રથમ વખત અવલોકન કર્યું હતું. 6 સપ્ટેમ્બરે તેમની પાવન ઉપસ્થિતિમાં મંદિરનું લોકાર્પણ થશે. આ મંદિરને ઉપાસના, શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે.

10 એકરમાં ‘સ્વામિનારાયણ નગર’

મંદિર મહોત્સવ માટે લગભગ 10 એકરમાં વિશાળ ‘સ્વામિનારાયણ નગર’ તૈયાર કરવામાં આવ્યું છે. 2થી 14 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ફેસ્ટિવલ ઓફ કલ્ચરમાં વિશ્વભરમાંથી 10 હજારથી વધુ મુલાકાતીઓ જોડાય તેવી અપેક્ષા છે.

એફિલ ટાવરથી નગરયાત્રા

5 સપ્ટેમ્બરે એફિલ ટાવરથી ભવ્ય નગરયાત્રા યોજાશે. મધ્ય પેરિસમાંથી પસાર થનારી આ શોભાયાત્રામાં 5 હજારથી વધુ સહભાગીઓ અને કલાકારો, પરંપરાગત સંગીત-નૃત્ય અને ભારતીય સંસ્કૃતિ તથા વૈશ્વિક મૂલ્યોને રજૂ કરતા 14 સુશોભિત રથો સામેલ થશે.

સેન નદી પર જલયાત્રા

3 સપ્ટેમ્બરે સેન નદી પર વિશિષ્ટ જલયાત્રાનું આયોજન કરાયું છે. 11 સુશોભિત નૌકાઓનો કાફલો હિન્દુ પરંપરા સાથે ભારત અને ફ્રાન્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતિબિંબ રજૂ કરશે.

વર્ષોની મહેનતનું પરિણામ

આ મંદિર હજારો ભક્તો, સ્વયંસેવકો અને સહયોગીઓના વર્ષોના સમર્પણનું પરિણામ છે. મંદિર ભારતમાં નિર્મિત કરવામાં આવ્યું છે અને ફ્રાન્સમાં તેનું એસેમ્બલિંગ કરવામાં આવ્યું છે. BAPS અનુસાર, આ મંદિર તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લું રહેશે.

1995માં મંદિરની પરિકલ્પના

પેરિસમાં પરંપરાગત હિન્દુ મંદિરની પરિકલ્પના 1995માં પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્ત કરી હતી. 2021માં ભૂમિપૂજન અને 2022માં શિલાન્યાસ બાદ 4 જૂન 2024થી મંદિરનું બાંધકામ શરૂ થયું હતું. હવે 2026માં આ સંકલ્પ સાકાર થવાના આરે પહોંચ્યો છે.

આ પણ વાંચો : Ankleshwar: પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ, 20 ભેંસો સાથે 2 આરોપી પકડાયા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.