America : ઓહાયોમાં હિન્દુ મંદિર પર ઈંટોથી હુમલો, બારીઓના કાચ તૂટ્યા, ઘટનાના CCTV તપાસની માગ


America
America : ઓહાયોમાં હિન્દુ મંદિર પર ઈંટોથી હુમલો, બારીઓના કાચ તૂટ્યા, ઘટનાના CCTV તપાસની માગ


America
America : ઓહાયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા હિન્દુ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે મંદિર પર ઈંટો ફેંકીને હુમલો કર્યો હતો, જેના કારણે મંદિરની બારીઓના કાચ તૂટી ગયા હતા. ઘટનાના સમયે મંદિરની અંદર પૂજારી અને શ્રદ્ધાળુઓ હાજર હતા. આ ઘટનાને પગલે અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયમાં ચિંતા જોવા મળી રહી છે.
COHNA દ્વારા આ ઘટનાની જાણકારી આપવામાં આવી
મળતી માહિતી મુજબ, શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલધામ પર શુક્રવારે બપોરે આ હુમલો કરવામાં આવ્યો હતો. કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (COHNA) દ્વારા આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. જોકે, હુમલામાં કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે કે નહીં તે અંગે સંગઠન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉપરાંત મંદિરની કેટલી બારીઓને નુકસાન થયું છે તેની વિગતો પણ સામે આવી નથી.
સ્થાનિક વહીવટીતંત્રને ઘટનાની નિંદા કરવા અપીલ
COHNAએ આ મામલે રિચમન્ડ હાઈટ્સના મેયર કિમ થોમસ અને સ્થાનિક વહીવટીતંત્રને ઘટનાની નિંદા કરવા અપીલ કરી છે. સાથે જ પોલીસને જવાબદાર વ્યક્તિની ઓળખ કરીને તેની સામે વહેલી તકે કાર્યવાહી કરવાની માગ કરી છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી આ હુમલા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી કે કોઈની ધરપકડ થઈ હોવાની માહિતી પણ આપવામાં આવી નથી. મંદિરને ધાર્મિક કારણોસર નિશાન બનાવવામાં આવ્યું હોવાના કોઈ પુરાવા પણ સંગઠન દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી.
પોલીસ કરી રહી છે તપાસ
COHNAના જણાવ્યા અનુસાર, આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓહાયોમાં હિન્દુ સમુદાય દ્વારા હિન્દુ હેરિટેજ મંથની ઉજવણી શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં નવરાત્રિ પર્વ પણ આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમેરિકામાં વિવિધ હિન્દુ મંદિરોમાં તોડફોડ અને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને અન્ય વિસ્તારોના મંદિરોનો સમાવેશ થાય છે. હાલ ઓહાયોની આ ઘટનામાં પોલીસ તપાસ અને જવાબદાર વ્યક્તિની ઓળખ અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો : Flydubai Cockpit Incident પર નેતન્યાહૂનું મોટું નિવેદન: ‘ભારે કિંમત ચૂકવવી પડશે’




