Varanasiમાં 2થી 4 નવેમ્બર દરમિયાન 'એરિસ્ટોટલ-કન્ફ્યુશિયસ સંગોષ્ઠી', CM યોગી અને ડૉ. પ્રીતિ અદાણી કરશે સંબોધન

Varanasi: વિશ્વની વિવિધ દાર્શનિક અને સભ્યતાગત પરંપરાઓ વચ્ચે સંવાદ વધારવાના હેતુથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં 2થી 4 નવેમ્બર દરમિયાન 'એરિસ્ટોટલ-કન્ફ્યુશિયસ સંગોષ્ઠી 2026'નું આયોજન કરવામાં આવશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 01 Nov 2026 01:35 PM IST
Varanasiમાં 2થી 4 નવેમ્બર દરમિયાન 'એરિસ્ટોટલ-કન્ફ્યુશિયસ સંગોષ્ઠી', CM યોગી અને ડૉ. પ્રીતિ અદાણી કરશે સંબોધનVaranasiમાં 2થી 4 નવેમ્બર દરમિયાન 'એરિસ્ટોટલ-કન્ફ્યુશિયસ સંગોષ્ઠી', CM યોગી અને ડૉ. પ્રીતિ અદાણી કરશે સંબોધન

Varanasi

Varanasi: વિશ્વની વિવિધ દાર્શનિક અને સભ્યતાગત પરંપરાઓ વચ્ચે સંવાદ વધારવાના હેતુથી ઉત્તર પ્રદેશના વારાણસીમાં 2થી 4 નવેમ્બર દરમિયાન 'એરિસ્ટોટલ-કન્ફ્યુશિયસ સંગોષ્ઠી 2026'નું આયોજન કરવામાં આવશે. આ આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. જ્યારે અદાણી ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણી પણ કાર્યક્રમને સંબોધિત કરશે.

આ સંમેલનમાં વિવિધ જ્ઞાન પરંપરાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિચારકો અને નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થશે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી આધુનિક ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે. વિવિધ સંસ્કૃતિઓ અને વિચારધારાઓ વચ્ચે સંવાદ તથા પરસ્પર સમજણને નવી દિશા આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.

CM યોગી ભારતની પ્રાચીન સભ્યતાગત વિરાસત પર વાત કરશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના મુખ્ય સંબોધનમાં ભારતની પાંચ હજાર વર્ષથી વધુ જૂની સભ્યતાગત વિરાસત અને હિંદુ ધર્મની સનાતન પરંપરા પર પ્રકાશ પાડશે. બીજી તરફ, ડૉ. પ્રીતિ અદાણી 2 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે સંમેલનમાં વિશેષ સંબોધન આપશે.

આયોજકોના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમમાં પ્રાચીન જ્ઞાન પરંપરાઓને આધુનિક વિશ્વની સમસ્યાઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમાં વિવિધ દેશોના વિચારકો અને નિષ્ણાતો પોતાના વિચારો રજૂ કરશે.

વારાણસીની પસંદગી પાછળનું કારણ

આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી માટે વારાણસીની પસંદગી તેના ઐતિહાસિક, ધાર્મિક અને શૈક્ષણિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. ગંગા નદીના કિનારે વસેલું વારાણસી વિશ્વનાં સૌથી પ્રાચીન અને સતત વસવાટ ધરાવતા શહેરોમાંનું એક માનવામાં આવે છે.

સદીઓથી આ શહેર શિક્ષણ, દર્શન, આધ્યાત્મિક ચિંતન અને તીર્થ પરંપરાનું કેન્દ્ર રહ્યું છે. અહીં હિંદુ, બૌદ્ધ અને જૈન જેવી ત્રણ મહત્ત્વપૂર્ણ જ્ઞાન પરંપરાઓનો સંગમ જોવા મળે છે.

AI, નૈતિકતા અને વૈશ્વિક પડકારો પર થશે ચર્ચા

સત્તાવાર નિવેદન અનુસાર, આજના વિશ્વ સામે ભૂ-રાજકીય તણાવ, પર્યાવરણીય સંકટ અને ટેક્નોલોજીમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો જેવા અનેક પડકારો છે. આવા પડકારોનો ઉકેલ માત્ર ટેક્નોલોજીના માધ્યમથી નહીં, પરંતુ મજબૂત નૈતિક મૂલ્યો અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેની સમજણથી પણ શક્ય છે.

સંગોષ્ઠીમાં એરિસ્ટોટલ, કન્ફ્યુશિયસ, હિંદુ, બૌદ્ધ, જૈન, કેથોલિક, ઇસ્લામિક અને અન્ય દાર્શનિક પરંપરાઓ વચ્ચેની સમાનતાઓ તથા ભિન્નતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને સદગુણ આધારિત નૈતિકતા, સુશાસન અને સત્તાના નૈતિક ઉપયોગ જેવા વિષયો પર વિચાર-વિમર્શ થશે.

આ ઉપરાંત, AI આધારિત ભાષા અને સંવાદ સાધનોનો ઉપયોગ કરીને અલગ-અલગ ભાષાઓ અને જ્ઞાન પરંપરાઓ વચ્ચે સંચાર સરળ બનાવવાના મુદ્દા પર પણ ચર્ચા થશે.

2 અને 3 નવેમ્બરે મુખ્ય સત્રો, 4 નવેમ્બરે સાંસ્કૃતિક પ્રવાસ

સંમેલનના મુખ્ય સત્રો 2 અને 3 નવેમ્બરના રોજ યોજાશે. તેમાં નિષ્ણાતોનાં વ્યાખ્યાનો, વિષય આધારિત ચર્ચાઓ, તુલનાત્મક દર્શન, વૈશ્વિક શાસન વ્યવસ્થા અને વિશ્વશાંતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થશે.

જ્યારે 4 નવેમ્બરનો દિવસ સાંસ્કૃતિક પ્રવાસ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત માટે ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રતિભાગીઓ ગંગા ઘાટની મુલાકાત લેશે, ગંગા આરતીમાં ભાગ લેશે અને શહેરનાં મુખ્ય મંદિરોમાં દર્શન કરશે. આ ઉપરાંત સારનાથની મુલાકાત પણ કાર્યક્રમનો ભાગ રહેશે.

આયોજકોનું માનવું છે કે આ સંગોષ્ઠી માત્ર બૌદ્ધિક ચર્ચા પૂરતી સીમિત નહીં રહે, પરંતુ વિશ્વભરના પ્રતિભાગીઓને ભારતની જીવંત સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનો પ્રત્યક્ષ અનુભવ પણ કરાવશે.

આ પણ વાંચો : Dhanteras 2026: આ દિવસે સોનું-ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા શા માટે? જાણો યમદીપનું ધાર્મિક મહત્ત્વ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.