Vande Bharat Express : મડગાંવ-મંગલુરુ વંદે ભારતનો વિસ્તાર બેંગલુરુ સુધી વધારાયો, મુસાફરોને મળશે વધુ સુવિધા


Vande Bharat Express
Vande Bharat Express : મડગાંવ-મંગલુરુ વંદે ભારતનો વિસ્તાર બેંગલુરુ સુધી વધારાયો, મુસાફરોને મળશે વધુ સુવિધા


Vande Bharat Express
Vande Bharat Express : ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મડગાંવ-મંગલુરુ વંદે ભારત એક્સપ્રેસનો હવે બેંગલુરુ સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે હસન, ઉડુપી અને કારવાર જેવા મહત્વપૂર્ણ સ્ટેશનો પરથી પસાર થઈને બેંગલુરુથી મડગાંવ સુધી દોડશે. કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી.
મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
કર્ણાટકના મંડ્યા લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ભારે ઉદ્યોગ તથા સ્ટીલ મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે હાલ કાર્યરત મડગાંવ-મંગલુરુ વંદે ભારત એક્સપ્રેસને હવે બેંગલુરુ સુધી લંબાવવામાં આવી છે. નવી સમયસૂચિ સાથે આ ટ્રેન 'ટ્રેન નંબર 26655/26656 યશવંતપુર-મંગલુરુ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ' તરીકે દોડશે.
આ રેલવે કોરિડોરનું વિશેષ મહત્વ
કુમારસ્વામીએ જણાવ્યું કે આ રૂટ પર મુસાફરોની વધતી સંખ્યા ઉપરાંત પ્રવાસન, ધાર્મિક યાત્રા, શિક્ષણ અને વેપારની દૃષ્ટિએ પણ આ રેલવે કોરિડોરનું વિશેષ મહત્વ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને તેમણે બેંગલુરુ, હસન, મંગલુરુ, ઉડુપી અને કારવારને જોડતી વંદે ભારત સેવા શરૂ કરવાની માગ કરી હતી. તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આ માગણીનો હકારાત્મક પ્રતિસાદ આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.
મુસાફરોને અવરજવરમાં વધુ વિકલ્પો મળશે
કુમારસ્વામીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આધુનિક રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલું છે. આ વિસ્તરણથી બેંગલુરુ, દરિયાકાંઠાના કર્ણાટક અને ગોવા વચ્ચેની મુસાફરી વધુ સુવિધાજનક બનશે. આ નવી રેલવે સેવા દ્વારા મુસાફરોને અવરજવરમાં વધુ વિકલ્પો મળશે. સાથે જ પ્રવાસન, વેપાર, પ્રાદેશિક આર્થિક પ્રવૃત્તિઓ અને વિવિધ રાજ્યો વચ્ચેના સંપર્કને પણ વેગ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : Captain Smit Machchharને મળશે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’, ગુજરાત સરકાર આપશે રૂ.25 લાખનું ઈનામ




