PM Modiનું મોટું નિવેદન: ડેટા, જ્ઞાન અને ઇનોવેશન જ 21 મી સદીની શક્તિ



PM Modiનું મોટું નિવેદન: ડેટા, જ્ઞાન અને ઇનોવેશન જ 21 મી સદીની શક્તિ



PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલા બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમને સંબોધિત કરતાં કહ્યું હતું કે 21મી સદીમાં ડેટા, જ્ઞાન અને ઇનોવેશન જ શક્તિના મુખ્ય સ્ત્રોત છે. તેમણે ભારપૂર્વકકહ્યું કે મહત્ત્વનો પ્રશ્ન એ નથી કે શક્તિ કોની પાસે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. ટેક્નોલોજી અને જ્ઞાનનો લાભ માત્ર અમુક લોકો સુધી મર્યાદિત રહેવાને બદલે કરોડો લોકો માટે નવી તકો ઊભી કરવામાં થવો જોઈએ.
‘પાવર ટુ એમ્પાવર’નો વિચાર રજૂ કર્યો
PM મોદીએ કહ્યું કે દુનિયામાં દરેક યુગમાં શક્તિના સ્ત્રોત અને તેની વ્યાખ્યા બદલાતી રહી છે. 21મી સદીમાં ટેક્નોલોજી, ડેટા, જ્ઞાન અને નવીનતા મહત્ત્વપૂર્ણ બની રહ્યાં છે. તેમણે ‘પાવર ટુ એમ્પાવર’નો વિચાર રજૂ કરતાં કહ્યું કે શક્તિનો હેતુ અન્ય લોકોને નિયંત્રિત કરવાનો નહીં, પરંતુ તેમને સક્ષમ બનાવવાનો હોવો જોઈએ.
તેમણે ભારતીય પરંપરાનો ઉલ્લેખ કર્યો કે જ્ઞાન, સંપત્તિ અને શક્તિનું મૂલ્ય તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના આધારે નક્કી થવું જોઈએ. ભારતે આ વિચારને શાસન અને કાર્યસંસ્કૃતિમાં અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે.
ડિજિટલ પેમેન્ટથી સામાન્ય નાગરિકોને તક
વડાપ્રધાને ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશમાં શેરીમાં વેપાર કરતા ફેરિયાથી લઈને કારના શોરૂમ સુધી વિવિધ સ્તરના વ્યવસાયો એક જ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે. તેમના મતે, આ સમાવેશી ટેક્નોલોજીનું ઉદાહરણ છે.
તેમણે સરકારી સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડવાની વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી સહાય પહોંચાડવામાં સુવિધા વધી છે અને સરકાર તથા નાગરિકો વચ્ચે સીધો સંપર્ક મજબૂત બન્યો છે.
2014 પછી સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વધારો
PM મોદીએ જણાવ્યું કે 2014 પહેલાં ભારતમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઘણી ઓછી હતી, જ્યારે હવે તેમની સંખ્યા 2.5 લાખથી વધુ થઈ છે. તેમણે કહ્યું કે લગભગ અડધા સ્ટાર્ટઅપ્સ નાના શહેરો અને નગરોમાંથી આવે છે. ઉપરાંત, આશરે 45 ટકા સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટર અથવા ભાગીદાર છે.
તેમણે કોવિન પ્લેટફોર્મ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત અન્ય દેશો સાથે પોતાનો અનુભવ વહેંચી રહ્યું છે, જેથી તેઓ પોતાની જરૂરિયાત મુજબ ડિજિટલ વ્યવસ્થાઓ વિકસાવી શકે.
નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં વધારો
વડાપ્રધાને ઊર્જા ક્ષેત્રમાં થયેલા ફેરફારો અંગે જણાવ્યું કે 2014માં ભારતની નવીનીકરણીય ઊર્જા ક્ષમતા આશરે 75 ગીગાવોટ હતી, જે વધીને લગભગ 300 ગીગાવોટ થઈ છે. તેમણે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપત્તિ પ્રતિરોધક માળખા માટેના ગઠબંધન અને વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધન જેવી પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વૈશ્વિક પડકારો વચ્ચે આર્થિક સુધારા પર ભાર
PM મોદીએ કહ્યું કે દુનિયા મહામારી, યુદ્ધો અને વેપાર, ઊર્જા તથા મહત્ત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન સંબંધિત પડકારોનો સામનો કરી રહી છે. તેમના મતે, વૈશ્વિક સ્તરે એકબીજા સાથે જોડાયેલી વ્યવસ્થાઓનો ઉપયોગ ક્યારેક દબાણ ઊભું કરવાના સાધન તરીકે પણ થઈ રહ્યો છે.
ભારતના આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતાં તેમણે GST, નાદારી કાયદા અને શ્રમ કાયદાઓના સરળીકરણની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત માટે સુધારા માત્ર મજબૂરી નહીં, પરંતુ સંકલ્પ છે.
બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમનું આ સંસ્કરણ 13થી 15 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ રહ્યું છે. પ્રથમ વખત ભારતમાં યોજાતા આ ફોરમમાં વૈશ્વિક અર્થતંત્ર, ટેક્નોલોજી, ઊર્જા અને ભવિષ્યના વિકાસ અંગે ચર્ચા થઈ રહી છે.






