Instagram Reel: મોબાઈલની નાની સ્ક્રીન નહીં, TV પર જોઈ શકશો રીલ્સ, ભારતમાં આવી રહ્યું છે નવું ફીચર

Instagram Reel: ભારતમાં Instagram for TV ફીચર લાવવાની તૈયારીમાં છે. હવે યુઝર્સ Apple TV, Fire TV અને Google TV પર Reels જોઈ શકશે.
Nancy Shukal
Nancy Shukal
Instagram Reel: ટીવી પર જોઈ શકાશે ઈન્સ્ટાગ્રામ રીલ્સ!Instagram Reel: ટીવી પર જોઈ શકાશે ઈન્સ્ટાગ્રામ રીલ્સ!

Instagram Reel: ટીવી પર જોઈ શકાશે ઈન્સ્ટાગ્રામ રીલ્સ!

Instagram Reel: મોબાઈલમાં Instagram Reels જોતી વખતે ઘણીવાર એવું થાય છે કે મજેદાર વીડિયો પરિવારના અન્ય સભ્યો કે મિત્રો સાથે પણ જોવાની ઈચ્છા થાય. હવે આ માટે મોબાઈલ એકબીજાને આપવાની જરૂર નહીં પડે. Meta ભારતમાં Instagram for TV નામનું નવું ફીચર શરૂ કરવાની તૈયારીમાં છે. આ ફીચરની મદદથી યુઝર્સ ટીવીની મોટી સ્ક્રીન પર Instagram Reels સહિત અન્ય કન્ટેન્ટનો આનંદ માણી શકશે.

Metaએ 27 નવેમ્બરે મુંબઈમાં યોજાયેલા વાર્ષિક ક્રિએટર ઈવેન્ટ 'House of Instagram' દરમિયાન આ ફીચર અંગે માહિતી આપી હતી. કંપનીનો હેતુ યુઝર્સને મોબાઈલની નાની સ્ક્રીનને બદલે મોટી સ્ક્રીન પર સાથે મળીને વીડિયો જોવાનો અનુભવ આપવાનો છે. Instagram for TV દ્વારા યુઝર્સ પોતાના પસંદગીના ક્રિએટર્સના વીડિયો, Reels અને Stories પણ ટીવી પર જોઈ શકશે.

ભારતમાં ક્યારે શરૂ થશે Instagram for TV?

Metaના જણાવ્યા અનુસાર, Instagram for TV આગામી કેટલાક દિવસોમાં ભારતમાં ઉપલબ્ધ થઈ શકે છે. આ ફીચર Apple TV, Amazon Fire TV અને Google TV જેવા સપોર્ટેડ ડિવાઈસ પર કામ કરશે. યુઝર્સ ટીવીમાં Instagram એપ ઈન્સ્ટોલ કરીને પોતાના એકાઉન્ટથી લોગિન કરી શકશે.

આ ફીચરમાં એકસાથે 5 Instagram એકાઉન્ટ ઉમેરવાની સુવિધા મળશે. જેથી પરિવારના અલગ-અલગ સભ્યો પોતાના મનપસંદ કન્ટેન્ટને ટીવી પર જોઈ શકશે. જો કોઈ યુઝર પોતાનું વ્યક્તિગત Instagram એકાઉન્ટ ટીવી સાથે જોડવા ન ઈચ્છતો હોય, તો તે માત્ર ટીવી પર વીડિયો જોવા માટે અલગ એકાઉન્ટ પણ બનાવી શકશે.

રિમોટથી બદલી શકાશે Reels

ટીવી પર Instagram વાપરવાનો અનુભવ મોબાઈલથી અલગ હશે. અહીં Reels એક પછી એક આપમેળે ચાલતી રહેશે. દરેક વીડિયો માટે વારંવાર સ્ક્રોલ કરવાની જરૂર નહીં પડે. યુઝર્સ ટીવીના રિમોટથી વીડિયો જોઈ અને બદલી શકશે.

Instagram અલગ-અલગ ચેનલ્સ પણ આપશે. યુઝર્સની પસંદગી, લોકપ્રિય વીડિયો અને તેઓ ફોલો કરતા એકાઉન્ટ્સના આધારે આ ચેનલ્સમાં Reels જોવા મળશે. આ સિવાય ક્રિએટર્સની પ્રોફાઈલ, Stories, ફોટો અને કેરોયુઝલ પોસ્ટ્સ પણ ટીવી પર જોઈ શકાશે. ટીવી માટે હોરિઝોન્ટલ ફોર્મેટની Reelsને પણ સપોર્ટ મળશે.

ફોનમાંથી પણ ટીવી પર વીડિયો કાસ્ટ કરી શકાશે

જો કોઈ વીડિયો મોબાઈલમાં પસંદ આવે તો તેને સીધો ટીવી પર પણ ચલાવી શકાશે. આ માટે ફોન અને ટીવી એક જ Wi-Fi નેટવર્ક સાથે જોડાયેલા હોવા જરૂરી છે. ત્યારબાદ Instagramમાં કાસ્ટ વિકલ્પ પસંદ કરીને વીડિયો ટીવી પર મોકલી શકાશે. પરંતુ આ સુવિધા કયા ડિવાઈસ પર ઉપલબ્ધ છે તેના આધારે અલગ હોઈ શકે છે.

બાળકોની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા

Metaએ Instagram for TVમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો પણ સામેલ કર્યા છે. ટીવી પર દેખાડવામાં આવતી Reels માટે કંપનીની 13+ Content Ratings સિસ્ટમ લાગુ થશે. Teen Accounts માટે અગાઉથી અમલમાં રહેલા સુરક્ષા નિયમો પણ ટીવી પર લાગુ રહેશે.

ખાસ વાત એ છે કે ટીવી પર Instagram જોવામાં વિતાવેલો સમય પણ બાળકોની કુલ સ્ક્રીન ટાઈમ મર્યાદામાં ગણાશે. સ્ક્રીન ટાઈમની મર્યાદા પૂરી થવા પર અથવા તેની નજીક પહોંચવા પર બાળકોને રિમાઈન્ડર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Microsoft Outage: 36 કલાક બાદ ફરી શરૂ થઈ Microsoftની સર્વિસ, Outlook અને Teams સહિતની એપ્લિકેશન્સ થઈ કાર્યરત