Shardiya Navratri 2026: PM મોદીએ માં ચંદ્રઘંટાની સ્તુતિમાં શેર કર્યો સંસ્કૃત શ્લોક, જાણો તેનો અર્થ



Shardiya Navratri 2026
Shardiya Navratri 2026: PM મોદીએ માં ચંદ્રઘંટાની સ્તુતિમાં શેર કર્યો સંસ્કૃત શ્લોક, જાણો તેનો અર્થ



Shardiya Navratri 2026
Shardiya Navratri 2026: શારદીય નવરાત્રિના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેવીની સ્તુતિ કરતો સંસ્કૃત શ્લોક શેર કર્યો હતો. આ શ્લોકમાં દેવીને અનંત શક્તિ ધરાવનાર વૈષ્ણવી શક્તિ અને સમગ્ર સૃષ્ટિનાં મૂળ કારણ તરીકે વર્ણવવામાં આવ્યાં છે. શ્લોકના ભાવાર્થ મુજબ, જ્યારે દેવી પ્રસન્ન થાય છે ત્યારે પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓ માટે મુક્તિનો માર્ગ પ્રશસ્ત થાય છે.
PM મોદીએ શેર કર્યો દુર્ગા સપ્તશતીનો શ્લોક
વડાપ્રધાન મોદીએ શેર કરેલો સંસ્કૃત શ્લોક દુર્ગા સપ્તશતી એટલે કે દેવી માહાત્મ્યના અગિયારમા અધ્યાયમાં આવતી ‘નારાયણી સ્તુતિ’નો ભાગ છે. આ સ્તુતિમાં દેવતાઓ દેવી જગદંબાની મહિમાનું ગાન કરે છે અને તેમની દિવ્ય શક્તિઓની આરાધના કરે છે.
શ્લોકમાં દેવીને ભગવાન વિષ્ણુની અનંત પરાક્રમ ધરાવતી વૈષ્ણવી શક્તિ તરીકે સંબોધવામાં આવ્યાં છે. સાથે જ તેમને સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું મૂળ અને પરમ માયા તરીકે વર્ણવવામાં આવ્યાં છે.
શું છે સંસ્કૃત શ્લોકનો અર્થ?
વડાપ્રધાન મોદીએ શેર કરેલો શ્લોક આ પ્રમાણે છે:
“ત્વં વૈષ્ણવી શક્તિરનન્તવીર્યા વિશ્વસ્ય બીજં પરમાસિ માયા।
सम्मोहितं देवि समस्तमेतत् त्वं વૈ પ્રસન્ના ભુવિ મુક્તિહેતુઃ॥”
આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે, હે દેવી! તમે અનંત પરાક્રમ ધરાવતી વૈષ્ણવી શક્તિ છો. સમગ્ર વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ તમે જ છો અને તમે જ પરમ માયા છો. આ સમગ્ર જગત તમારી માયાથી પ્રભાવિત છે. જ્યારે તમે પ્રસન્ન થાઓ છો, ત્યારે પૃથ્વી પરનાં તમામ પ્રાણીઓ માટે મુક્તિ એટલે કે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે.
શુમ્ભ-નિશુમ્ભના વધ બાદ દેવોએ કરી હતી નારાયણી સ્તુતિ
ધાર્મિક માન્યતા અનુસાર, દેવી દુર્ગા દ્વારા અસુર શુમ્ભ અને નિશુમ્ભનો વધ કરવામાં આવ્યા બાદ ઇન્દ્ર સહિતના દેવતાઓએ દેવીની સ્તુતિ કરી હતી. આ સ્તુતિને ‘નારાયણી સ્તુતિ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં દેવીના વૈશ્વિક સ્વરૂપ, તેમની શક્તિ અને સૃષ્ટિ પરના પ્રભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્લોક પણ એ જ સ્તુતિનો મહત્ત્વપૂર્ણ અંશ છે.
નવરાત્રિમાં આજે માં ચંદ્રઘંટાની આરાધના
નવરાત્રિના ત્રીજા દિવસે માં દુર્ગાના ત્રીજા સ્વરૂપ માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, માતાના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર શોભે છે, જેના કારણે તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું છે.
દેવીનાં દસ હાથમાં વિવિધ અસ્ત્ર-શસ્ત્ર શોભે છે અને તેમનું વાહન સિંહ છે. માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ સાહસ, શૌર્ય અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો નવરાત્રિ દરમિયાન માતાની પૂજા કરીને સુખ, શાંતિ અને શક્તિની પ્રાર્થના કરે છે.
આ પણ વાંચો : Shardiya Navratri 2026: કેવી રીતે બને છે માં દુર્ગાની ભવ્ય મૂર્તિ? જાણો ગંગા માટીથી લઈને ચક્ષુદાન સુધીની પરંપરા






