Get News Alerts

Never miss breaking news updates.

AI Technology: ભારત બનશે AIનો મોટો હબ? નંદન નીલેકણિએ વ્યક્ત કર્યો વિશ્વાસ

AI Technology: ઇન્ફોસિસના સહ-સ્થાપક અને NTAના પરીક્ષા સુધારાઓ માટે રચાયેલા ઉચ્ચસ્તરીય કાર્યબળના અધ્યક્ષ નંદન નીલેકણિએ જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને મોટા પાયે સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં ભારત નેતૃત્વ કરશે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 13 Oct 2026 03:03 PM IST
AI Technology: ભારત બનશે AIનો મોટો હબ? નંદન નીલેકણિએ વ્યક્ત કર્યો વિશ્વાસAI Technology: ભારત બનશે AIનો મોટો હબ? નંદન નીલેકણિએ વ્યક્ત કર્યો વિશ્વાસ

AI Technology

AI Technology: ઇન્ફોસિસના સહ-સ્થાપક અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના પરીક્ષા સુધારાઓ માટે રચાયેલા ઉચ્ચસ્તરીય કાર્યબળના અધ્યક્ષ નંદન નીલેકણિએ જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને મોટા પાયે સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે. મંગળવારે બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમમાં બોલતાં તેમણે કહ્યું કે AI ક્ષેત્રમાં માત્ર એક કંપનીનું વર્ચસ્વ નહીં રહે, પરંતુ અનેક કંપનીઓ અને નવીનતાઓ માટે તકો ઊભી થશે.

AI ક્ષેત્રમાં અનેક કંપનીઓ માટે તકો

નીલેકણિના જણાવ્યા અનુસાર, હાલમાં લોકો AIને મુખ્યત્વે GPT મોડલ્સના સ્વરૂપમાં જોઈ રહ્યા છે, પરંતુ આ ટેક્નોલોજી પર કોઈ એક કંપની સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકશે નહીં. તેમણે કહ્યું કે AIને એક જ માળખામાં સીમિત રાખી શકાય તેમ નથી. સમય જતાં વધુ ચિપ્સ ઉપલબ્ધ થશે અને નવી ટેક્નોલોજી વિકસશે. આથી AI ક્ષેત્રમાં સ્પર્ધા અને નવીનતાની અનેક સંભાવનાઓ રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ભારતે ડિજિટલ ટેક્નોલોજી વિકસાવવા અને તેને મોટા પાયે અમલમાં મૂકવાનો અનુભવ મેળવ્યો છે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની આ ક્ષમતા AIના વ્યાપક ઉપયોગમાં પણ મદદરૂપ થશે. નીલેકણિએ ઇન્ફોસિસ જેવી IT કંપનીઓના ભવિષ્ય અંગે વ્યક્ત થતી નિરાશાને 'ડિઝાસ્ટર માર્કેટિંગ' ગણાવી અને કહ્યું કે આવી કંપનીઓ માટે આગામી સમયમાં કામની માંગ વધી શકે છે.

PM મોદીએ ભારતની ડિજિટલ પ્રગતિનો ઉલ્લેખ કર્યો

આ જ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર 700 અબજ ડોલરથી વધુ છે અને દેશની બેન્કિંગ વ્યવસ્થા અનેક દેશોની સરખામણીએ મજબૂત સ્થિતિમાં છે. તેમણે જણાવ્યું કે ભારત સ્પષ્ટ નીતિગત દિશા સાથે સુધારા અમલમાં મૂકી રહ્યું છે.

વડાપ્રધાને કોવિડ મહામારી દરમિયાન 100થી વધુ દેશોને વેક્સિન ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારતે પોતાની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ અન્ય દેશોની મદદ માટે પણ કર્યો હતો. તેમણે થોડા મહિના પહેલાં યોજાયેલી AI ઇમ્પેક્ટ સમિટનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમાં માનવતા ઉપરાંત પશુઓના લાભ માટે AIના ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ હતી.

સસ્તા ઇન્ટરનેટથી વધ્યા નવીનતાના અવસર

PM મોદીએ જણાવ્યું કે 2014 પછી ભારતે મોબાઇલ ડેટાને સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ બનાવવાની દિશામાં કામ કર્યું. તેના કારણે નાના શહેરોના વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ મેળવી શકે છે, ગામડાંના વેપારીઓ નવા ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને યુવાનો ઓનલાઇન કોર્સ દ્વારા નવી કુશળતા શીખી શકે છે.

તેમના મતે, ડિજિટલ કનેક્ટિવિટીએ લોકોને માત્ર એકબીજા સાથે જોડ્યા નથી, પરંતુ શિક્ષણ, રોજગાર અને વ્યવસાયની નવી તકો પણ ઉપલબ્ધ કરાવી છે. ભારતની આ ડિજિટલ ક્ષમતા ભવિષ્યમાં AIના વ્યાપક ઉપયોગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : UPI MDR Charge: દિવાળી સુધી UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જ નહીં લાગે, NPCIએ નિર્ણય ટાળ્યો

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.