Punjab Bus Accident: પંજાબમાં બે તીર્થયાત્રાની બસ વચ્ચે ભયાનક ટક્કર, 4ના મોત અને 18 મુસાફર ઈજાગ્રસ્ત

Punjab Bus Accident: નૌશેરા પન્નુઆ ગામ નજીક મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ દોડતી બે બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Punjab tarn taran Bus AccidentPunjab tarn taran Bus Accident

Punjab tarn taran Bus Accident

Punjab Bus Accident: પંજાબના તરનતારન-બઠિંડા નેશનલ હાઈવે પર શનિવારે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. નૌશેરા પન્નુઆ ગામ નજીક મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ દોડતી બે બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા છે, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બસની આગળની સીટ પર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી

મળતી માહિતી અનુસાર, બંને બસમાં કુલ 75 મુસાફર સવાર હતા. એક બસ લાંબી વિધાનસભા ક્ષેત્રના ભીટીવાલ ગામમાંથી 32 મહિલાઓને લઈને અમૃતસરના શ્રી દરબાર સાહિબનાં દર્શન માટે જઈ રહી હતી. જ્યારે બીજી બસ અમૃતસરમાં દર્શન કર્યા બાદ બરગાડી તરફ પરત ફરી રહી હતી. આ દરમિયાન નૌશેરા પન્નુઆ ગામ નજીક બંને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે જોરદાર ધડાકા જેવો અવાજ સંભળાયો હતો. બસની આગળની સીટ પર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

SSP સુરિન્દર લાંબા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

પ્રાથમિક માહિતી અનુસાર, અમૃતસર તરફથી આવી રહેલી એક બસની સામે અચાનક બાઈક સવાર આવી ગયો હતો. તેને બચાવવા માટે બસચાલકે સ્ટિયરિંગ બીજી તરફ ફેરવતાં સામેથી હરિકે તરફથી આવી રહેલી બીજી બસ સાથે સીધી ટક્કર થઈ હતી. ઘટનાની જાણ થતાં ડેપ્યુટી કમિશનર નિર્મલ ઓસેપ્પચન અને SSP સુરિન્દર લાંબા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે સમગ્ર ઘટનાની સમીક્ષા કરી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત અને 18 લોકો ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: Delhi Factory Fire: દિલ્હીના મંગોલપુરીમાં જૂતાં-ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 16થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે