IORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો વધશે પ્રભાવ, ગોવા અને ગુજરાતમાં બનશે બે સેન્ટર ઓફ એક્સેલન્સ

IORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો પ્રભાવ વધારવા ગોવા અને ગુજરાતમાં બે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. IORAને 5 લાખ ડોલરની સહાય પણ અપાશે.
Nancy Shukal
Nancy Shukal
IORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો વધશે પ્રભાવIORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો વધશે પ્રભાવ

IORA Meeting: હિંદ મહાસાગરમાં ભારતનો વધશે પ્રભાવ

IORA Meeting: હિંદ મહાસાગરમાં પોતાની વ્યૂહાત્મક હાજરી અને પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ભારતે મહત્વપૂર્ણ પહેલ કરી છે. દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA)ની મંત્રિસ્તરીય બેઠકમાં ભારતે દરિયાઈ વિજ્ઞાનથી લઈને મેરિટાઈમ લો સુધીના ક્ષેત્રોમાં પોતાની નિષ્ણાતી અન્ય દેશો સાથે વહેંચવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ગોવા અને ગુજરાતમાં બે નવા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. આ સિવાય IORAની સંસ્થાકીય ક્ષમતા મજબૂત કરવા માટે ભારતે 5 લાખ ડોલરની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં 23 સભ્ય દેશ અને 12 ડાયલોગ પાર્ટનર્સે ભાગ લીધો હતો. બેઠકનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય ગોવા અને ગુજરાતમાં બે વિશેષ કેન્દ્રો સ્થાપવાનો રહ્યો હતો.

ગોવા અને ગુજરાતમાં બનશે વિશેષ કેન્દ્રો

ગોવામાં આવેલી CSIR-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી ખાતે IORA ડિજિટલ ઈનોવેશન હબ બનાવવામાં આવશે. આ કેન્દ્ર દરિયાઈ વિજ્ઞાન અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં કામ કરશે.

બીજી તરફ ગુજરાતની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં મેરિટાઈમ લોનું સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ દરિયાઈ કાયદાના ક્ષેત્રમાં નિષ્ણાતી વિકસાવવાનો અને સંબંધિત દેશોની ક્ષમતા વધારવાનો છે.

દરિયાઈ ગતિવિધિઓ પર દેખરેખ મજબૂત કરવા ચર્ચા

બેઠકમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા, માહિતીની આપ-લે અને ઓપરેશનલ સંકલનને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. આ હેતુથી ગુરુગ્રામ સ્થિત ઈન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર-ઈન્ડિયન ઓશન રિજનમાં સભ્ય દેશોની ભાગીદારી સાથે વિશેષ વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપમાં દરિયાઈ ગતિવિધિઓ પર દેખરેખ રાખવાની વ્યવસ્થા અને દેશો વચ્ચે માહિતીની આપ-લે વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં દિલ્હી કમ્યુનિકે 2026ને મંજૂરી

બેઠક દરમિયાન વર્ષ 2028થી 2032 સુધીના સમયગાળા માટે IORAના નવા એક્શન પ્લાન અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સભ્ય દેશોએ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાક્રમો ઉપરાંત હિંદ મહાસાગર સાથે જોડાયેલા પોતાના સહિયારા હિતો અંગે મંતવ્યો રજૂ કર્યા હતા.

બેઠકના અંતે દિલ્હી કમ્યુનિકે 2026ને મંજૂરી આપવામાં આવી હતી. આ દસ્તાવેજમાં હિંદ મહાસાગર ક્ષેત્રને શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ બનાવવાના સહિયારા સંકલ્પને ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો.

અન્ય દેશોના આંતરિક મામલામાં હસ્તક્ષેપ નહીં કરવાના સિદ્ધાંત પર ભાર

દિલ્હીમાં યોજાયેલી IORA કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની 25મી બેઠકમાં 23 સભ્ય દેશોએ હિંદ મહાસાગરને શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ ક્ષેત્ર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ દરમિયાન સાર્વભૌમ સમાનતા, પ્રાદેશિક અખંડિતતા અને રાજકીય સ્વતંત્રતા જેવા સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય દેશોના આંતરિક મામલામાં હસ્તક્ષેપ નહીં કરવાના સિદ્ધાંતને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

ગોવા અને ગુજરાતમાં સ્થાપાનારા બંને કેન્દ્રો દ્વારા દરિયાઈ વિજ્ઞાન, ટેક્નોલોજી અને કાયદાના ક્ષેત્રમાં પ્રાદેશિક સહયોગને નવી દિશા મળવાની અપેક્ષા છે. આ પહેલથી હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બની શકે છે.

આ પણ વાંચો: Delimitation Bill 2026: મહિલા અનામત અને સીમાંકન બિલને કેબિનેટની મંજૂરી, લોકસભાની બેઠક 850 સુધી વધવાની શક્યતા