PM મોદી જશે ચેન્નાઈના પ્રવાસે, 13,000 કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે


pm modi
PM મોદી જશે ચેન્નાઈના પ્રવાસે, 13,000 કરોડ રૂપિયાથી વધુની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે


pm modi
PM મોદી તમિલનાડુની રાજધાની ચેન્નાઈની મુલાકાત દરમિયાન ₹13,000 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ યોજનાઓમાં મેટ્રો રેલ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે, બંદરો, પેટ્રોલિયમ અને વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રનાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.
મધ્ય વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે
પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ચેન્નાઈ મેટ્રોના પૂનમલ્લી બાયપાસથી વાડાપલાની સુધીના બીજા તબક્કાના ભાગનું ઉદ્ઘાટન કરશે. આશરે ₹4,900 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી પશ્ચિમ ચેન્નાઈ અને શહેરના મધ્ય વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી સુધરશે તથા મુસાફરીનો સમય ઘટશે.
પાંચ રેલવે સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન થશે
આ ઉપરાંત, તમિલનાડુમાં આશરે ₹3,700 કરોડની રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. મદુરાઈ રિંગ રોડ સહિતના માર્ગ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં મદદ મળશે. રેલવે ક્ષેત્રમાં ₹750 કરોડથી વધુની યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરાશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત પાંચ રેલવે સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન થશે. બંદરોના વિકાસ માટે ચેન્નાઈ, કામરાજાર અને વી.ઓ. ચિદમ્બરનાર પોર્ટ પર વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવશે. તેનાથી માલ પરિવહન અને દરિયાઈ વેપારને વેગ મળવાની આશા છે.
વેપાર અને સંશોધન ક્ષેત્રે નવી તકો ઊભી થવાની અપેક્ષા
પેટ્રોલિયમ ક્ષેત્રમાં મનાલી રિફાઈનરી ખાતે ₹1,620 કરોડના ખર્ચે લ્યુબ ઓઈલ બેઝ સ્ટોક્સ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે. આ પ્રોજેક્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.70 લાખ મેટ્રિક ટન હશે. પીએમ મોદી આઈઆઈટી મદ્રાસના સુધા ગોપાલકૃષ્ણન બ્રેઈન સેન્ટરને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. અહીં માનવ મગજના ત્રિ-પરિમાણીય નકશા તૈયાર કરવાના વૈજ્ઞાનિક મિશનને પ્રોત્સાહન મળશે. આ પ્રવાસથી તમિલનાડુમાં પરિવહન, ઔદ્યોગિક વિકાસ, વેપાર અને સંશોધન ક્ષેત્રે નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.





