Mumbai : ખારમાં પૂર ઝડપે કારે અનેક લોકોને અડફેટે લીધા, પોલીસે દાખલ કરી ફરિયાદ


Mumbai
Mumbai : ખારમાં પૂર ઝડપે કારે અનેક લોકોને અડફેટે લીધા, પોલીસે દાખલ કરી ફરિયાદ


Mumbai
Mumbai : મુંબઈના ખાર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ખાર પોલીસ સ્ટેશન રોડ નજીક પૂરઝડપે દોડતી કારે 19 વર્ષીય યુવતી, એક પોલીસ કોન્સ્ટેબલ સહિત અનેક લોકોને ટક્કર મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે-ત્રણ ઓટોરિક્ષા સહિત અનેક વાહનોને નુકસાન થયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે પૂરઝડપે આવતી કારે સૌપ્રથમ રસ્તાની બાજુમાં ઊભેલી 19 વર્ષીય યુવતીને ટક્કર મારી હતી. ટક્કરથી યુવતી રસ્તા પર પડી ગઈ હતી. આ દરમિયાન એક પોલીસ કોન્સ્ટેબલે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારચાલકે કથિત રીતે કોન્સ્ટેબલને પણ ટક્કર મારી હતી. આ ઉપરાંત આસપાસ ઊભેલા બે-ત્રણ અન્ય લોકોને પણ વાહને અડફેટે લીધા હતા.
કારે બે-ત્રણ ઓટોરિક્ષાને પણ ટક્કર મારી
ત્યારબાદ બેકાબૂ કારે રસ્તા પર ઊભેલી બે-ત્રણ ઓટો રિક્ષાને પણ ટક્કર મારી હતી. એક ઓટો રિક્ષાને ટક્કર માર્યા બાદ કાર અટકી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં પાછળ બેઠેલો એક વ્યક્તિ બાદમાં વાહનમાંથી બહાર નીકળી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવતી સહિત અન્ય ઘાયલોને સારવાર માટે નજીકની ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે દિનેશ યાદવની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો
આ મામલે ખાર પોલીસે કારચાલક ગોરેગાંવના 36 વર્ષીય દિનેશ યાદવ અને વાહન માલિક તથા માલાડ પશ્ચિમના 50 વર્ષીય વેપારી મેહુલ પ્રવીણચંદ્ર જોશી સામે કેસ નોંધ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 184 હેઠળ કાર્યવાહી કરી છે. પોલીસે દિનેશ યાદવની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે વાહન માલિક મેહુલ જોશીને પૂછપરછ માટે હાજર થવાની નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનાની પરિસ્થિતિ અને અકસ્માત પહેલાંની ઘટનાઓ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : CBIએ 40 લાખ રૂપિયાના લાંચ કેસમાં ફરાર મહારાષ્ટ્ર CGST અધિકારીની કરી ધરપકડ





