Morari Bapu: મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યએ કરાવ્યું ધ્વજ પ્રસ્થાન


Morari Bapu: મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રા દ્વારકાથી શરૂ
Morari Bapu: મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો દ્વારકાથી પ્રારંભ, શંકરાચાર્યએ કરાવ્યું ધ્વજ પ્રસ્થાન


Morari Bapu: મોરારીબાપુની ભારત સ્વસ્તિક યાત્રા દ્વારકાથી શરૂ
Morari Bapu: ગુજરાતના દ્વારકાથી ભારતની આધ્યાત્મિક એકતાનો સંદેશ આપતી ભારત સ્વસ્તિક યાત્રાના બીજા ચરણનો શનિવારે (14 નવેમ્બર) ભવ્ય પ્રારંભ થયો હતો. પૂજ્ય મોરારીબાપુના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રાને દ્વારકા રેલવે સ્ટેશન ખાતેથી વિધિવત્ ધ્વજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિત અનેક સંતો, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને એક તાંતણે જોડવાના ઉદ્દેશથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનો પ્રથમ ચરણ 10થી 23 ઓક્ટોબર દરમિયાન કન્યાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો. હવે બીજા ચરણમાં 14થી 22 નવેમ્બર દરમિયાન દ્વારકાથી જગન્નાથપુરી સુધીની યાત્રા યોજાશે.
મોરારીબાપુએ યાત્રાને ગણાવ્યો દૈવી વિચાર
પત્રકાર પરિષદમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે ભારત સ્વસ્તિક યાત્રાનો વિચાર તેમનો વ્યક્તિગત નથી, પરંતુ તે દૈવી વિચાર અને શિવસંકલ્પ છે. તેમને કહ્યું કે જ્યાં સુધી શરીરમાં શક્તિ છે અને પીઠોના આશીર્વાદ છે ત્યાં સુધી ફરતા રહીને સેવા કરતા રહેવું જોઈએ. તેમને વધુમાં જાહેરાત કરી કે દ્વારકામાં 16થી 24 ઓક્ટોબર, 2027 દરમિયાન 9 દિવસની રામકથાનું આયોજન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત દ્વારકાના પૂજ્ય પૂજારીજી આ કથાના યજમાન બનશે.

શંકરાચાર્યએ આપ્યો સર્વજન કલ્યાણનો સંદેશ
શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ યાત્રાને સૌના હિત અને સુખાકારી માટેનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમને જણાવ્યું કે ધાર્મિક યાત્રાઓ અને આધ્યાત્મિક પરંપરાઓનો હેતુ માત્ર દર્શન કરવાનો નહીં, પરંતુ વધુ સારા મનુષ્ય બની સમાજના કલ્યાણ માટે કાર્ય કરવાનો છે.
1,000 શ્રદ્ધાળુઓ બે વિશેષ ટ્રેનમાં કરશે પ્રવાસ
આ યાત્રામાં આશરે 1,000 શ્રદ્ધાળુઓ જોડાયા છે. તેમના પ્રવાસ માટે કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનોમાં અનુક્રમે 22 અને 16 કોચ છે.
દ્વારકાથી પ્રસ્થાન કર્યા બાદ યાત્રા સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચાંપા, માયાપુર અને કોલકાતા સહિતનાં સ્થળોની મુલાકાત લેશે. ત્યારબાદ 22 નવેમ્બરે જગન્નાથપુરી ખાતે યાત્રાનું સમાપન થશે.
બંને ચરણોને મળીને આ યાત્રા દેશનાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને આવરી લે છે. આદિ શંકરાચાર્યની આધ્યાત્મિક પરંપરાથી પ્રેરિત આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ભારતની વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ અને આધ્યાત્મિક વારસાને એક મંચ પર લાવવાનો છે. યાત્રા દરમિયાન યોજાતી રામકથા અને અન્ય કાર્યક્રમોમાં તમામ લોકો માટે પ્રવેશ ખુલ્લો રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Bharuch News: કાવી કાંબોઈ દરિયાકિનારે અનોખી જેલી ફિશ જોવા મળી, લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું




