Meghalaya Politics: મેઘાલયમાં UDPને મોટો ઝટકો, 12માંથી 11 ધારાસભ્યનો પક્ષપલટો, ભાજપની તાકાતમાં વધારો

Meghalaya Politics: મેઘાલયમાં UDPના 12માંથી 11 ધારાસભ્ય ભાજપ અને NPPમાં જોડાયા. મેથબાહ લિંગદોહે સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું, છતાં સંગમા સરકાર બહુમતીમાં છે.
Nancy Shukla
Meghalaya Politics: મેઘાલયમાં UDPના 11 ધારાસભ્યોનો પક્ષપલટોMeghalaya Politics: મેઘાલયમાં UDPના 11 ધારાસભ્યોનો પક્ષપલટો

Meghalaya Politics: મેઘાલયમાં UDPના 11 ધારાસભ્યોનો પક્ષપલટો

Meghalaya Politics: મેઘાલયના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 12માંથી 11 ધારાસભ્યોએ પક્ષ છોડી દેતાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તેમાંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે, જ્યારે અન્ય 3 ધારાસભ્યોએ મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)નો હાથ પકડ્યો છે. બીજી તરફ, પાર્ટીના એકમાત્ર બચેલા ધારાસભ્ય અને UDPના પ્રમુખ મેતબાહ લિંગદોહે સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ આ નિર્ણયથી રાજ્યની કોનરાડ સંગમા સરકારની સ્થિરતા પર કોઈ અસર થવાની શક્યતા નથી.

કેબિનેટમાં ફેરફારના મુદ્દે શરૂ થયો હતો વિવાદ

આ રાજકીય ઘટનાક્રમની શરૂઆત સપ્ટેમ્બર 2025માં થઈ હતી. કેબિનેટમાં ફેરફારને લઈને UDPમાં આંતરિક વિખવાદ શરૂ થયો હતો. પાર્ટીના પ્રમુખ મેથબાહ લિંગદોહે પોતાના જ પક્ષના બે વરિષ્ઠ મંત્રીઓ પોલ લિંગદોહ અને કિરમેન શૈલાને મંત્રીમંડળમાંથી દૂર કરવાની ભલામણ કરી હતી. આ નિર્ણય બાદ પાર્ટીમાં અસંતોષ વધ્યો અને ધારાસભ્યોએ બળવો કર્યો હતો.

પરિણામે 8 ધારાસભ્યો ભાજપમાં જોડાયા, જ્યારે 3 ધારાસભ્યો NPPમાં સામેલ થયા હતા. આ રીતે UDPના 12માંથી 11 ધારાસભ્યોએ પક્ષ છોડી દીધો હતો.

મેથબાહ લિંગદોહે સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું

પાર્ટીમાં એકલા પડી ગયેલા મેથબાહ લિંગદોહે 31 ઓક્ટોબરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ મંગળવારે પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ તેમને રાજ્ય સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાનો પત્ર મોકલવાની જાહેરાત કરી હતી.

ભાજપની તાકાતમાં વધારો, સરકારને કોઈ ખતરો નહીં

આ રાજકીય ઉથલપાથલમાં ભાજપને મોટો ફાયદો થયો છે. 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં મુખ્યમંત્રી કોનરાડ સંગમાની NPP પાસે 36 ધારાસભ્યો છે. બીજી તરફ 8 નવા ધારાસભ્યોના આગમનથી ભાજપની સંખ્યા વધીને 10 થઈ છે.

વિધાનસભામાં બહુમતી માટે 31 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. આવી સ્થિતિમાં NPP અને ભાજપના સહયોગી ગઠબંધન પાસે બહુમતી કરતાં ઘણી વધુ સંખ્યા છે. તેથી UDPના સમર્થન પાછું ખેંચવાથી સરકારની સ્થિરતા પર કોઈ મોટો પ્રભાવ પડવાની શક્યતા નથી. આ સમગ્ર ઘટનાક્રમમાં ભાજપની રાજકીય તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: Mumbai: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ, 7.85 કિલો ડ્રગ્સ જપ્ત