Toyota Innova Bio Ethanol: 100% ઇથેનોલથી ચાલતી ઇનોવા લોન્ચ થશે, ગડકરીનો દાવો

Toyota Innova Bio Ethanol: ભારતમાં વૈકલ્પિક ઇંધણ અને ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મોટું પગલું ભરવાની તૈયારી છે.
Nisha Parmar
Nisha Parmar
Toyota Innova bio ethanol model launch Nitin Gadkari ટોયોટા ઇનોવાToyota Innova bio ethanol model launch Nitin Gadkari ટોયોટા ઇનોવા

Toyota Innova bio ethanol model launch Nitin Gadkari ટોયોટા ઇનોવા

Toyota Innova Bio Ethanol: ભારતમાં વૈકલ્પિક ઇંધણ અને ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે વધુ એક મોટું પગલું ભરવાની તૈયારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 26 નવેમ્બરે ટોયોટાની ઇનોવાનું 100 ટકા બાયો-ઇથેનોલ આધારિત મોડલ લોન્ચ કરવામાં આવશે. આ વાહન પેટ્રોલને બદલે સંપૂર્ણપણે ઇથેનોલ પર ચાલશે. ગડકરીના જણાવ્યા અનુસાર, આ વાહન ચલાવવાનો અસરકારક ખર્ચ પેટ્રોલની સરખામણીએ નોંધપાત્ર રીતે ઓછો હોઈ શકે છે.

નવી દિલ્હીમાં યોજાયેલા ‘પાવરિંગ ધ નેક્સ્ટ માઇલ’ કોન્ક્લેવમાં બોલતાં ગડકરીએ જણાવ્યું હતું કે હાલમાં ઇથેનોલની કિંમત પ્રતિ લિટર આશરે રૂ.75 છે, જ્યારે પેટ્રોલની કિંમત આશરે રૂ.120 છે. તેમણે દાવો કર્યો હતો કે ઇનોવા ચાલતી વખતે પોતાની લગભગ 60 ટકા ઊર્જા વીજળીમાંથી ઉત્પન્ન કરશે. આ કારણે તેની સરેરાશ કામગીરીનો ખર્ચ પેટ્રોલની સરખામણીએ પ્રતિ લિટર રૂ.25થી રૂ.30 જેટલો થઈ શકે છે.

ગડકરીએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજીથી ગ્રાહકોને ઇંધણના ખર્ચમાં બચત થઈ શકે છે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. તેમના મતે, હરિત, સુરક્ષિત અને સર્વસમાવેશક ટેક્નોલોજી દેશ તથા સામાન્ય નાગરિકો બંને માટે લાભદાયી બની શકે છે.

ઇલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજીમાં પણ થયો સુધારો

કોન્ક્લેવ દરમિયાન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને બજાજ અને ટીવીએસનાં શરૂઆતનાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ લોન્ચ કરવાનો અવસર મળ્યો હતો. શરૂઆતના ઇલેક્ટ્રિક સ્કૂટર્સની રેન્જ આશરે 125 કિલોમીટર હતી. જોકે, કેટલીક સ્ટાર્ટઅપ કંપનીઓએ વાહનોની કિંમત ઘટાડવા માટે બેટરીની ક્ષમતા ઓછી કરી હતી અને આશરે 70 કિલોમીટરની રેન્જ ધરાવતા સ્કૂટર્સ રૂ.70,000થી રૂ.72,000ની કિંમતમાં બજારમાં મૂક્યા હતા.

તેમણે કહ્યું કે સમયની સાથે ઇલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજી અને બેટરી ક્ષમતામાં સુધારો થયો છે. ગડકરીએ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર, બસ અને ટ્રકને લીલી ઝંડી આપવાનો અવસર મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

લિથિયમ-આયન બેટરીની કિંમતમાં ઘટાડો

ગડકરીના જણાવ્યા અનુસાર, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની શરૂઆત થઈ ત્યારે લિથિયમ-આયન બેટરીની કિંમત પ્રતિ કિલોવોટ-કલાક 150 ડોલર હતી, જે હવે ઘટીને 50 ડોલર થઈ છે. જોકે, તાજેતરના સમયમાં બેટરીની કિંમત ઘટવાની ગતિ ધીમી પડી છે. તેમણે આ માટે વધતી માગ અને મર્યાદિત પુરવઠાને મુખ્ય કારણ ગણાવ્યાં હતાં.

ગડકરીએ કહ્યું કે વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની માગ ઝડપથી વધી રહી છે, પરંતુ બેટરીનું ઉત્પાદન અને તેના માટે જરૂરી કાચા માલની ઉપલબ્ધતા એ જ પ્રમાણમાં વધી શક્યાં નથી.

ઊર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર ભાર

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો તરફ ગ્રાહકોનો વધતો ઝુકાવ તેમની ઓછી ઓપરેટિંગ કોસ્ટને કારણે છે. ફોસિલ ફ્યુઅલથી ચાલતાં વાહનોની સરખામણીએ ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાનો ખર્ચ ઓછો હોવાથી લાંબા ગાળે ગ્રાહકોને આર્થિક ફાયદો થઈ શકે છે.

તેમણે ભારતે ઊર્જાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા, પ્રદૂષણ ઓછું કરવા અને સ્વદેશી તથા વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. બાયો-ઇથેનોલ, ઇલેક્ટ્રિક મોબિલિટી અને અન્ય ગ્રીન ટેક્નોલોજી આ પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો : Andhra Cyclone: આંધ્રપ્રદેશમાં 2 ચક્રવાતથી ભારે નુકસાન, PM મોદીએ સ્થિતિ જાણી