Mumbai: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ, 7.85 કિલો ડ્રગ્સ જપ્ત


Mumbai: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ
Mumbai: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ, 7.85 કિલો ડ્રગ્સ જપ્ત


Mumbai: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ
Mumbai: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના મુંબઈ ઝોનલ યુનિટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમેરિકાના ન્યૂયોર્કથી મુંબઈ મોકલવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કુરિયર પાર્સલમાંથી 7.85 કિલો હશીશનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
DRIના અધિકારીઓએ બાતમીના આધારે શંકાસ્પદ પાર્સલની ઓળખ કરી
DRIના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે આંતરરાષ્ટ્રીય કુરિયર મારફતે હશીશનો જથ્થો ન્યૂયોર્કથી મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે મુંબઈના ઈન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર શંકાસ્પદ પાર્સલની ઓળખ કરી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. પાર્સલમાં બાથરૂમની દીવાલ પર લગાવવામાં આવતો ફ્રેમવાળો અરીસો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ તપાસ દરમિયાન અરીસાની લાકડાની લંબચોરસ ફ્રેમ ખોલતાં તેમાંથી છુપાવેલા 8 પેકેટ મળી આવ્યા હતા. આ 8 પેકેટમાં અલગ-અલગ વજનનાં કુલ 169 નાના પેકેટ રાખવામાં આવ્યા હતા. તેમાં કાળા રંગનો રેઝિન જેવો પદાર્થ મળી આવ્યો હતો.
સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો
DRIના અધિકારીઓએ NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટ દ્વારા પ્રાથમિક તપાસ કરતાં આ પદાર્થ હશીશ હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા હશીશનો કુલ વજન 7,850 ગ્રામ એટલે કે 7.85 કિલો નોંધાયો હતો. ત્યારબાદ NDPS અધિનિયમ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન અધિકારીઓએ કુરિયર પાર્સલના કન્સાઈની એટલે કે પાર્સલ મેળવનાર વ્યક્તિને શોધી કાઢ્યો હતો. તેની 2 નવેમ્બર, 2026ના રોજ NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ DRI દ્વારા આ દાણચોરી પાછળના મોટા નેટવર્ક, અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અને દેશ-વિદેશની કડીઓ શોધવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી ડ્રગ્સ તસ્કરી સામેની લડાઈ અને નશામુક્ત ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Amul Price Hike: દિવાળી પહેલા અમૂલનો ગ્રાહકોને ઝટકો! ઘી અને બટરના ભાવમાં કર્યો તગડો વધારો





