INS Sahyadri: જાપાન પહોંચ્યું, માલાબાર-2026માં ભારત સહિત ચાર દેશો બતાવશે નૌકાદળની તાકાત

INS Sahyadri: હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની નૌસેનાઓ સંયુક્ત નૌકા અભ્યાસ 'માલાબાર-2026'માં ભાગ લેવા જઈ રહી છે.
Kunjan Shukla
INS SahyadriINS Sahyadri

INS Sahyadri

INS Sahyadri: હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની નૌસેનાઓ સંયુક્ત નૌકા અભ્યાસ 'માલાબાર-2026'માં ભાગ લેવા જઈ રહી છે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારતનું સ્વદેશી સ્ટીલ્થ યુદ્ધજહાજ INS સહ્યાદ્રિ જાપાનના યોકોસુકા નૌસૈનિક મથક પર પહોંચી ગયું છે.

INS સહ્યાદ્રિ ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલાનો મહત્વપૂર્ણ હિસ્સો

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, 4 નવેમ્બરના રોજ યુદ્ધજહાજ જાપાન પહોંચ્યું હતું. ગાઈડેડ મિસાઈલોથી સજ્જ INS સહ્યાદ્રિ ભારતીય નૌકાદળના પૂર્વીય કાફલાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જાપાન પહોંચતા જ જાપાનના મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા યુદ્ધજહાજનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાપાનના યોકોસુકા જિલ્લાના કમાન્ડન્ટ વાઈસ એડમિરલ યાગી કોજી અને ભારતીય મિશનના નાયબ પ્રમુખ આર. મધુ સુદન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વાગત ભારત અને જાપાન વચ્ચેની મજબૂત વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક છે.

વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્વપૂર્ણ પ્રદર્શન

માલાબાર-2026 નૌકા અભ્યાસ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં બંદર પર વ્યાવસાયિક ચર્ચાઓ, અનુભવોનું આદાનપ્રદાન અને સંયુક્ત સૈન્ય અભિયાનોની યોજના બનાવવામાં આવશે. ત્યારબાદ સમુદ્રમાં બીજા તબક્કાની શરૂઆત થશે. આ દરમિયાન ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના યુદ્ધજહાજો તથા અન્ય સૈન્ય એકમો સંયુક્ત કવાયતમાં ભાગ લેશે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ ચારેય દેશોની નૌસેનાઓ વચ્ચે સંકલન, યુદ્ધક ક્ષમતા, પરસ્પર વિશ્વાસ અને સંયુક્ત કામગીરીને વધુ મજબૂત બનાવવાનો છે. ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા માટે આ અભ્યાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતની આ ભાગીદારી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં તેની વધતી દરિયાઈ ભૂમિકા અને 'મહાસાગર' વિઝનને અનુરૂપ છે. તાજેતરમાં ફિલિપાઈન્સના સેબુમાં યોજાયેલી 13મી આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસ દરમિયાન પણ ભારતે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી. આમ, માલાબાર-2026 ચારેય દેશોની સંયુક્ત દરિયાઈ શક્તિ અને વ્યૂહાત્મક ભાગીદારીનું મહત્વપૂર્ણ પ્રદર્શન બની રહેશે.

આ પણ વાંચો: Delhi Building Collapse: દિલ્હીના ચાવડી બજારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 2નાં મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા