Get News Alerts

Never miss breaking news updates.

India Nepal: ભારતની નેપાળને મદદ યથાવત, 11 સભ્યોની બચાવ ટીમ અને 5.5 ટન દવાઓ સાથે વિમાન રવાના

India Nepal: તિબેટમાં 26 ઓગસ્ટે ગ્લેશિયર તૂટ્યા બાદ નેપાળમાં આવેલા વિનાશક પૂરથી સર્જાયેલી તબાહીની વચ્ચે ભારતે રાહત અને બચાવ કામગીરીમાં મદદ ચાલુ રાખી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે જણાવ્યું.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 02 Sep 2026 10:08 AM IST
India Nepal: ભારતની નેપાળને મદદ યથાવત, 11 સભ્યોની બચાવ ટીમ અને 5.5 ટન દવાઓ સાથે વિમાન રવાનાIndia Nepal: ભારતની નેપાળને મદદ યથાવત, 11 સભ્યોની બચાવ ટીમ અને 5.5 ટન દવાઓ સાથે વિમાન રવાના

India Nepal

India Nepal: તિબેટમાં 26 ઓગસ્ટે ગ્લેશિયર તૂટ્યા બાદ નેપાળમાં આવેલા વિનાશક પૂરથી સર્જાયેલી તબાહીની વચ્ચે ભારતે રાહત અને બચાવ કામગીરીમાં મદદ ચાલુ રાખી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે જણાવ્યું કે નેપાળ માટે ભારતનું પાંચમું રાહત વિમાન રવાના થઈ ગયું છે. આ વિમાનમાં 11 સભ્યોની બચાવ ટીમ, વિશેષ બચાવ સાધનો અને 5.5 ટન જરૂરી દવાઓ મોકલવામાં આવી છે.

પાંચમું રાહત વિમાન રવાના

વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતા જણાવ્યું કે નેપાળ માટે મોકલવામાં આવેલા પાંચમા વિમાનમાં 11 સભ્યોની બચાવ ટીમ, વિશેષ સાધનો અને 5.5 ટન જરૂરી દવાઓ સામેલ છે. આ ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરશે.

અત્યાર સુધી 68 ટનથી વધુ રાહત સામગ્રી

ભારત અત્યાર સુધી નેપાળ માટે 68 ટનથી વધુ રાહત સામગ્રી અને વિશેષ બચાવ ટીમો મોકલી ચૂક્યું છે. તેમાં કાંબળા, સ્લીપિંગ બેગ, મજબૂત તાડપત્રી, પ્લાસ્ટિક શીટ અને હાઇજીન કિટ ઉપરાંત જરૂરી દવાઓ, ફૂડ પેકેટ, સોલાર લેમ્પ, પાણી શુદ્ધ કરવાની ગોળીઓ અને પોર્ટેબલ જનરેટરનો સમાવેશ થાય છે.

પૂરથી મૃત્યુઆંક 1003 પર પહોંચ્યો

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. નેપાળની National Disaster Risk Reduction and Management Authority (NDRRMA) અનુસાર અત્યાર સુધી 1,003 મૃતદેહો મળી આવ્યા છે. જેમાં સૌથી વધુ 321 મૃતદેહ ચિતવન જિલ્લામાં અને 216 મૃતદેહ નવાલપરાસી પૂર્વ જિલ્લામાં મળી આવ્યા છે.

4,606 લોકો હજુ પણ લાપતા

નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર 4,606 લોકો હજુ પણ લાપતા છે. લાપતા લોકોમાં 583 વિદેશી નાગરિકો પણ સામેલ છે. જેના કારણે મૃતકોનો આંકડો હજુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં પણ શોધખોળ

નેપાળ સરકારે રસુવા અને નુવાકોટ જિલ્લામાં ભોટેકોશી અને ત્રિશૂલી નદી વિસ્તારમાં આવેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં લાપતા લોકોને શોધવાની કામગીરી ચાલુ રાખી છે. નેપાળ સરકારની વિનંતી પર ભારત અને ચીને ટેકનિકલ નિષ્ણાતોની ટીમો મોકલી છે, જે હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગોમાં ફસાયેલા લોકોને શોધવા અને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી છે.

મૃતકોની ઓળખ માટે DNA તપાસ શરૂ

આ દરમિયાન ભારતની 19 સભ્યોની ફોરેન્સિક ટીમે નેપાળના નિષ્ણાતો સાથે મળીને DNA સેમ્પલની તપાસ શરૂ કરી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ પૂર દરમિયાન મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવામાં નેપાળને મદદ કરવાનો છે, જેથી મૃતકોના પરિવારજનોને યોગ્ય માહિતી મળી શકે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

આ પણ વાંચો : Indian Stock Market: અમેરિકા-ઈરાન યુદ્ધની અસર, ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.