Flydubai Caseમાં નવો ખુલાસો: ઓમાની કો-પાયલોટે કહ્યું- ‘શહીદ’ થવા માંગતો હતો



Flydubai Case
Flydubai Caseમાં નવો ખુલાસો: ઓમાની કો-પાયલોટે કહ્યું- ‘શહીદ’ થવા માંગતો હતો



Flydubai Case
Flydubai Case: દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટને હાઇજેક કરીને ક્રેશ કરાવવાના પ્રયાસના કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, ઓમાની કો-પાયલોટ હમામ અલ-હમ્મામીએ પૂછપરછ દરમિયાન દાવો કર્યો છે કે તેણે ગાઝાના બદલાના ઈરાદાથી આ પગલું ભર્યું હતું અને તે ‘શહીદ’ થઈને મરવા માંગતો હતો. જોકે, તપાસ એજન્સીઓ તેના આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરી રહી છે.
પૂછપરછમાં કો-પાયલોટે શું કહ્યું?
રિપોર્ટ અનુસાર, ફ્લાઇટમાં કાબૂમાં લીધા બાદ હમામ અલ-હમ્મામી વારંવાર મુસાફરોને તેને મારી નાખવા માટે કહી રહ્યો હતો. તેણે ‘શહીદ’ થઈને મરવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ નિવેદન બાદ તપાસ એજન્સીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઘટના પાછળ માત્ર હમામ જ હતો કે પછી તેને કોઈ વ્યક્તિ કે સંગઠન તરફથી મદદ મળી હતી.
ફોન અને વિદેશ પ્રવાસોની તપાસ
હમામના નિવેદન બાદ તપાસનો ફોકસ તેની અગાઉની ગતિવિધિઓ અને સંપર્કો પર છે. એજન્સીઓ તેના મોબાઈલ ફોન, સંપર્કો અને વિદેશ પ્રવાસોની વિગતોની તપાસ કરી રહી છે. ઘટના પહેલાં તેણે કોઈ પ્રકારની તૈયારી કરી હતી કે કેમ અને કોઈ અન્ય વ્યક્તિ સાથે તેનો સંપર્ક હતો કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
અન્ય ક્રૂ મેમ્બર્સની ભૂમિકા પર પણ નજર
તપાસ દરમિયાન ફ્લાઇટના અન્ય ક્રૂ મેમ્બર્સની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં અન્ય કોઈ ક્રૂ મેમ્બર આ કથિત ષડયંત્રમાં સામેલ હોવાના પુરાવા મળ્યા નથી. હાલમાં તપાસનું મુખ્ય કેન્દ્ર હમામની ગતિવિધિઓ, સંપર્કો અને ઘટના પહેલાંની તૈયારીઓ પર છે.
30 સપ્ટેમ્બરે ફ્લાઇટમાં શું થયું હતું?
30 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટ દુબઈથી તેલ અવિવ જઈ રહી હતી. રિપોર્ટ મુજબ, લગભગ 34 હજાર ફૂટની ઊંચાઈએ ઓમાની કો-પાયલોટ હમામે ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર પર પાછળથી હુમલો કર્યો હતો. હુમલામાં પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું હતું.
હમામે કોકપિટનો દરવાજો બંધ કરી દીધો હતો. જોકે, ઘાયલ પાયલોટે પોતાની તાકાતથી દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ કેટલાક મુસાફરો કોકપિટમાં પહોંચ્યા અને કથિત હુમલાખોર કો-પાયલોટને કાબૂમાં લીધો હતો.
હવે તપાસ એજન્સીઓ એ જાણવા માટે તપાસ આગળ ધપાવી રહી છે કે આ ઘટનાનું ચોક્કસ કારણ શું હતું અને હમામે આ પગલું પોતાની રીતે ભર્યું હતું કે તેની પાછળ કોઈ મોટું નેટવર્ક હતું.
આ પણ વાંચો : Amreli: 23 વર્ષથી પોલીસને થાપ આપતો આરોપી ઝડપાયો, નામ-નંબર-રહેઠાણ બદલ્યા છતાં પકડાયો





