Mumbai Black Magic Fraud: મુંબઈમાં અંધશ્રદ્ધા અને શ્રાપનો ડર બતાવી વૃદ્ધ દંપતી સાથે ₹6.38 કરોડની ઠગાઈ, 4 ફ્લેટ વેચાવ્યા


Mumbai black magic fraud case accused booked દંપતી સાથે ઠગાઈ
Mumbai Black Magic Fraud: મુંબઈમાં અંધશ્રદ્ધા અને શ્રાપનો ડર બતાવી વૃદ્ધ દંપતી સાથે ₹6.38 કરોડની ઠગાઈ, 4 ફ્લેટ વેચાવ્યા


Mumbai black magic fraud case accused booked દંપતી સાથે ઠગાઈ
Mumbai Black Magic Fraud: મહારાષ્ટ્રના મુંબઈમાં અંધશ્રદ્ધાનો ડર બતાવી એક વૃદ્ધ દંપતી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દહિસર વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધ મહિલા અને તેમના પતિને ઘરમાં કાળી જાદુ અને શ્રાપ હોવાની વાત કહી આરોપીઓએ ડરાવ્યા હતા. કથિત તાંત્રિક વિધિ અને શુદ્ધિકરણના નામે દંપતી પાસેથી આશરે ₹6.38 કરોડ પડાવવાનો આરોપ છે. આ માટે દંપતીને દહિસર અને બોરીવલીમાં આવેલા ચાર ફ્લેટ સહિતની સંપત્તિ વેચવા માટે પણ મનાવવામાં આવ્યા હતા. આ મામલે 10 લોકો સામે ગુનો નોંધાયો છે.
ઘરમાં કાળી જાદુ અને વાસ્તુદોષ હોવાનો ડર બતાવ્યો
ફરિયાદ મુજબ, વૃદ્ધ મહિલા શીલાને તેમના પાડોશમાં રહેતી એક મહિલાના માધ્યમથી કેટલાક લોકોનો પરિચય થયો હતો. આરોપીઓએ પોતાને દૈવી શક્તિ ધરાવતા હોવાનું જણાવી ઘરમાં વાસ્તુદોષ, કરણી અને નકારાત્મક શક્તિઓ હોવાનો દાવો કર્યો હતો. તેમણે દંપતીને એવું પણ કહ્યું હતું કે ઘરની મિલકત, દાગીના અને પૈસા શ્રાપિત છે. તેનો ઉપયોગ કરવામાં આવશે તો પતિ અને બાળકોના જીવને જોખમ થઈ શકે છે. આ રીતે દંપતીના મનમાં ભય ઊભો કરવામાં આવ્યો હતો.
ચાર ફ્લેટ વેચાવીને કરોડો રૂપિયા પડાવ્યા
આરોપીઓએ કથિત શુદ્ધિકરણ વિધિ અને મઠના બાંધકામના નામે દંપતીને પોતાની સંપત્તિ વેચવા માટે મનાવ્યા હતા. પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, દહિસર અને બોરીવલીના ચાર ફ્લેટ વેચવાથી મળેલા ₹3.02 કરોડ, શેરમાંથી ₹1.60 કરોડ, આશરે 1,200 ગ્રામ સોનાના દાગીના, બેંક અને પોસ્ટની ₹45 લાખની બચત તથા ઘરના ફર્નિચર સહિતની સંપત્તિ આરોપીઓએ મેળવી લીધી હોવાનો આરોપ છે. આ ઉપરાંત મઠના કામ માટે ₹90 લાખની લોન લેવા પણ દંપતીને મજબૂર કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
ઉધાર પૈસા માગતાં સમગ્ર મામલો સામે આવ્યો
દંપતીની આર્થિક સ્થિતિ સારી હોવા છતાં વૃદ્ધ મહિલાએ એક સમયે પાડોશીઓ પાસે હૈદરાબાદ જવા માટે ₹24 હજાર ઉધાર માગ્યા હતા. આ વાતથી પાડોશીઓને આશ્ચર્ય થયું અને પૂછપરછ કરતાં મહિલાએ પોતાની સાથે થયેલી કથિત છેતરપિંડીની સમગ્ર વાત જણાવી હતી. ત્યારબાદ પાડોશીઓએ તેમને પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. ફરિયાદ બાદ તપાસ દરમિયાન મુખ્ય આરોપી ઉમેશ દેશપાંડેની ધરપકડ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અવાજ બદલીને ‘ગુરુવર્ય’ બની વાત કરતા હતા આરોપીઓ
તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપીઓમાંથી કેટલાક લોકો અવાજ બદલીને અલગ-અલગ વ્યક્તિઓનો સ્વાંગ રચતા હતા. મુખ્ય આરોપી ઉમેશ દેશપાંડે ‘ગુરુવર્ય’ બનીને વાત કરતો હતો, જ્યારે અન્ય આરોપીઓ ‘રમાબાઈ’ અને ‘બાઈસાહેબ’ તરીકે ઓળખ આપતા હતા. ફરિયાદ બાદ આરોપીઓએ છેતરપિંડીની કબૂલાત કરીને ₹80 લાખ પરત કર્યા હોવાનો પણ અહેવાલ છે. જોકે, બાકીની રકમ પરત ન મળતાં દહિસર પોલીસમાં ગુનો નોંધાયો છે. કુલ 10 લોકોને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.




