Ahmedabad Water Wastage: હાટકેશ્વરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતાં હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું, સ્થાનિકોમાં રોષ

Ahmedabad Water Wastage: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં પીવાના પાણીનો બેફામ વેડફાટ થવાની ઘટના સામે આવી છે.
Nisha Parmar
Nisha Parmar
Ahmedabad Hatkeshwar water pipeline leakage wastage પાણીનો વેડફાટAhmedabad Hatkeshwar water pipeline leakage wastage પાણીનો વેડફાટ

Ahmedabad Hatkeshwar water pipeline leakage wastage પાણીનો વેડફાટ

Ahmedabad Water Wastage: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં પીવાના પાણીનો બેફામ વેડફાટ થવાની ઘટના સામે આવી છે. 132 ફૂટ રિંગ રોડના મોડેલ રોડ પર સેવન્થ ડે સ્કૂલ નજીક પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતાં હજારો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહીને ગટરમાં જતું રહ્યું હતું. વહેલી સવારે પાણી છોડવામાં આવતાં અચાનક લિકેજ શરૂ થયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, લગભગ બે કલાક સુધી પાણીનો સતત પ્રવાહ ચાલુ રહ્યો હતો. પાણી પુરવઠો બંધ થયા બાદ પણ પાઇપલાઇનમાંથી પાણી ગટરમાં વહી રહ્યું હતું.

બે કલાક સુધી રસ્તા પર વહેતું રહ્યું પાણી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વહેલી સવારે પાણી છોડવાના સમયે પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. તેના કારણે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યું હતું. સવારે 8 વાગ્યે પાણી છોડવાનું બંધ થયા બાદ પણ લિકેજ સંપૂર્ણપણે બંધ થયું નહોતું. પાઇપલાઇનમાંથી પાણી સીધું નજીકની ગટરમાં વહી જતું રહ્યું હતું. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બચત કરવાની અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ હજારો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું હોવાની સ્થિતિ સામે આવી છે.

વાહનચાલકો અને સ્થાનિક રહીશોને હાલાકી

સેવન્થ ડે સ્કૂલ નજીકના આ માર્ગ પરથી ધીરજ હાઉસિંગ તરફ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પર પાણી ફેલાતાં વાહનવ્યવહારને પણ અસર થવાની સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિકોનો સવાલ છે કે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતાં એક તરફ પાણીનો બગાડ થાય છે અને બીજી તરફ નાગરિકોને રસ્તા પરની મુશ્કેલી સહન કરવી પડે છે.

તંત્રને જાણ કરવા છતાં સમારકામ ન થયાનો આક્ષેપ

સ્થાનિક રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના પાણી વિભાગને લિકેજ અંગે જાણ કરી હોવાનો દાવો કર્યો છે. જોકે, જાણ કરવા છતાં સમારકામ માટે કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. લાંબા સમય સુધી પાણી વહી રહ્યું હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.

માત્ર 300 ફૂટ દૂર જળ વિતરણ કેન્દ્ર, છતાં તંત્ર અજાણ?

આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે, ત્યાંથી માત્ર 300 ફૂટના અંતરે ભાઈપુરા જળ વિતરણ કેન્દ્રની ભૂગર્ભ ટાંકી આવેલી છે. પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ માર્ગ પરથી અવરજવર કરતા હોવા છતાં સમસ્યા તરફ ધ્યાન ન અપાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. હવે રહીશોએ તંત્ર સમક્ષ તાત્કાલિક લિકેજ બંધ કરી પાઇપલાઇનનું સમારકામ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો : Union Budget 2027-28: પ્રી-બજેટ ચર્ચામાં પહેલીવાર Gen Z અને યુવાનો સામેલ થશે, 8મા પગાર પંચ અને LTCG ટેક્સ મુદ્દે પણ મંથન