Panchmahal News: પંચમહાલમાં ખેતરમાંથી રૂપિયા 4.62 કરોડનો ગાંજો ઝડપાયો, ચાર આરોપીઓની ધરપકડ

Panchmahal News: પંચમહાલના કંકુથાંભલા ગામે ખેતરમાંથી ગાંજાના 502 છોડ ઝડપાયા. પોલીસે રૂપિયા 4.62 કરોડનો જથ્થો જપ્ત કરી ચાર આરોપીઓની ધરપકડ કરી.
Kunjan Shukal
Kunjan Shukal
ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યોખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો

ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો

Panchmahal News: ગુજરાતમાં નશાના કારોબાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પંચમહાલ SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંદાજે રૂપિયા 4.62 કરોડથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 502 છોડ જપ્ત કર્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને કંકુથાંભલા ગામના આંબલી ફળિયામાં આવેલા એક ખેતરમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પંચમહાલ SOG અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે સંયુક્ત રીતે ખેતરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાં ગાંજાના લીલા છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ગાંજાના કુલ 502 છોડ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 924.010 કિલોગ્રામ નોંધાયું છે, જ્યારે તેની અંદાજિત કિંમત રૂપિયા 4 કરોડ 62 લાખથી વધુ આંકવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીઓ પ્રભાતભાઈ, ગુલાબસિંહ, સોનાભાઈ અને કમળાબેન બારીઆની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ કંકુથાંભલા ગામના આંબલી ફળિયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ

પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ખેતરમાં ગાંજાની ખેતી કેટલા સમયથી કરવામાં આવતી હતી, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અને આ નશીલો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પંચમહાલ પોલીસની આ મોટી કાર્યવાહીને પગલે જિલ્લામાં ગેરકાયદે નશીલા પદાર્થોની ખેતી અને હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Ahmedabad Demolition: સારંગપુર સર્કલ પાસે AMCનું ડિમોલિશન, સ્થાનિકોનો વિરોધ, 17થી 20 દુકાનો હટાવવાની કાર્યવાહી