Get News Alerts

Never miss breaking news updates.

Ambaji Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ, અંબાજીમાં ભક્તોની ભારે ભીડ

Ambaji Mela 2026: શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ મહામેળા-2026નો આજે અંતિમ દિવસ છે. પાવન ધામ અંબાજીમાં સાત દિવસીય મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 26 Sep 2026 10:45 AM IST
Ambaji Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ, અંબાજીમાં ભક્તોની ભારે ભીડAmbaji Mela 2026: ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ, અંબાજીમાં ભક્તોની ભારે ભીડ

Ambaji Mela 2026

Ambaji Mela 2026: શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમ મહામેળા-2026નો આજે અંતિમ દિવસ છે. મા અંબાના પાવન ધામ અંબાજીમાં સાત દિવસીય મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા છે. આજે વહેલી સવારથી જ અંબાજીના નિજ મંદિરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. સમગ્ર અંબાજી શહેરમાં ‘જય અંબે’ના જયઘોષ સાથે ભક્તિમય માહોલ છવાયો છે.

માથે ગરબો લઈ ભક્તો ઝૂમ્યા

મહામેળાના અંતિમ દિવસે પણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક માઈભક્તો માથે ગરબો લઈ માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે. ભક્તો મા જગતજનની અંબાના દર્શન કરી તેમના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસર સહિત સમગ્ર અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

છ દિવસમાં 38.23 લાખ ભક્તોએ કર્યા દર્શન

ભાદરવી મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે મેળાના છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની સંખ્યા 38,23,469 પર પહોંચી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અગાઉ 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે એવો અંદાજ રાખવામાં આવ્યો હતો. છ દિવસમાં જ 38 લાખથી વધુ ભક્તો દર્શન કરી ચૂક્યા હોવાથી આજે આ આંકડો પાર થવાની શક્યતા છે. અંદાજ મુજબ આ વર્ષે કુલ 42થી 45 લાખ જેટલા ભક્તો મા અંબાના દર્શન કરી શકે છે.

ભંડાર કાઉન્ટરમાં 6 દિવસમાં રૂ. 1.83 કરોડની આવક

મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી રૂ. 29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક રૂ. 1,83,10,515 થઈ છે.

28.90 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ

મહામેળાના છઠ્ઠા દિવસે ભક્તોને મોહનથાળ પ્રસાદના કુલ 2,63,657 પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે છ દિવસ દરમિયાન કુલ 28.90 લાખ પેકેટ મોહનથાળ પ્રસાદનું વિતરણ થયું છે. આ ઉપરાંત છ દિવસ દરમિયાન 3,927 ભક્તો અને સંઘોએ ધજા ચડાવી હોવાનું સામે આવ્યું છે.

આજે ધજારોહણ યોજાશે

મહામેળાના અંતિમ દિવસે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ધજારોહણ કરવામાં આવશે. અંતિમ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. ‘જય અંબે’ના ગગનભેદી નાદ સાથે આજે ભાદરવી પૂનમ મહામેળાની ભક્તિમય પૂર્ણાહુતિ થશે.

આ પણ વાંચો : Junagadh SOGની મોટી કાર્યવાહી, 4 ગ્રામ મેફેડ્રોન સાથે ધોરાજીના બે શખ્સ ઝડપાયા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.