Weather News : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 19-20 ઓક્ટોબરે અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


Weather News
Weather News : ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, 19-20 ઓક્ટોબરે અનેક વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ


Weather News
Weather News : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બદલાતા હવામાનને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે.
દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જૂનાગઢ અને અમરેલીના દક્ષિણ ભાગો તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં 19 અને 20 ઓક્ટોબરના રોજ હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છૂટાછવાયા છાંટા પડી શકે છે.
બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા
હવામાનમાં પલટો આવવા પાછળ બંગાળના ઉપસાગરમાં 15થી 20 ઓક્ટોબર દરમિયાન સિસ્ટમ બનવાની શક્યતા એક મહત્ત્વનું પરિબળ બની શકે છે. આ સિસ્ટમની અસરને કારણે 17થી 20 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. બીજી તરફ, અરબ સાગરમાં પણ 16થી 20 ઓક્ટોબર દરમિયાન દેશના દક્ષિણ છેડે સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. જો આ સિસ્ટમ ઓમાન તરફ ન ફંટાય તો ગોવા અને મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તેની અસર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જોવા મળી શકે છે.
ઓક્ટોબરના અંતમાં ચક્રવાતની શક્યતા
અંબાલાલ પટેલે ઓક્ટોબરના અંતિમ દિવસો અને નવેમ્બરની શરૂઆત દરમિયાન પણ હવામાનમાં મોટા ફેરફારની શક્યતા દર્શાવી છે. 28 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન ચક્રવાત જેવી સિસ્ટમ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ અંગે વધુ સ્પષ્ટતા માટે આગામી હવામાન અપડેટ અને સત્તાવાર આગાહી પર નજર રાખવી જરૂરી છે. જો અરબ સાગરમાં પશ્ચિમી વિક્ષોભ અને અન્ય હવામાન પ્રણાલીઓ સક્રિય થાય તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધી શકે છે.





