Gujarat Police Innovation Challenge 2026: AI અને CCTVથી સ્માર્ટ પોલિસિંગ, વિજેતા ટીમોને ₹18 લાખના ઇનામ



Gujarat Police Innovation Challenge 2026
Gujarat Police Innovation Challenge 2026: AI અને CCTVથી સ્માર્ટ પોલિસિંગ, વિજેતા ટીમોને ₹18 લાખના ઇનામ



Gujarat Police Innovation Challenge 2026
Gujarat Police Innovation Challenge 2026: ગુજરાતમાં પોલીસ વ્યવસ્થાને વધુ આધુનિક અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ એટલે કે ‘સેન્ટીનલ હેકાથોન 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના i-Hub ખાતે યોજાયેલી બે દિવસીય હેકાથોનના સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં દેશભરના ઇનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ટેકનોલોજી કંપનીઓ અને સંશોધકોએ ભાગ લીધો હતો. ફેઝ-1માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને પ્રોત્સાહક ઇનામો સહિત કુલ ₹18 લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
AI અને લાઇવ CCTVથી ગુનાની તપાસમાં નવી દિશા
આ હેકાથોનમાં સ્પર્ધકોએ લાઇવ CCTV ફીડના આધારે રિયલ-ટાઇમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન, વાહન ટ્રેકિંગ અને વોચલિસ્ટ મેચિંગ જેવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓ રજૂ કરી હતી. આ સોલ્યુશન્સનો હેતુ જાહેર સુરક્ષા મજબૂત બનાવવો, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવી અને પોલીસને સમયસર એલર્ટ આપવામાં મદદ કરવાનો છે. ફેઝ-1 અને ફેઝ-2 મળીને સ્પર્ધકો માટે કુલ ₹51 લાખની ઇનામી રકમ રાખવામાં આવી છે.
પોલીસના કામના કલાકો બચાવવાનો પ્રયાસ: હર્ષ સંઘવી
સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે AI અને આધુનિક સોફ્ટવેર ઇન્ટિગ્રેશનનો હેતુ માત્ર ગુના શોધવાનો કે ટેકનોલોજીનું માળખું ઊભું કરવાનો નથી. તેના દ્વારા ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ્સ અને અધિકારીઓના કાર્યના કલાકો બચાવીને તેમની કાર્યક્ષમતા વધારવાનો પણ પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે આ ચેલેન્જ માટે દેશભરમાંથી 3,100થી વધુ રજિસ્ટ્રેશન અને 1,000થી વધુ ઇનોવેટિવ સોલ્યુશન્સ મળ્યાં છે.
તેમણે ઉમેર્યું કે AI અને CCTV ઇન્ટિગ્રેશન ક્ષેત્રે કામ કરતા યુવાનો તથા સ્ટાર્ટઅપ્સ માટે ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં પણ નવી વ્યવસાયિક તકો ઊભી થઈ શકે છે. પોલીસ વિભાગ ઇનોવેટર્સને તેમના વિચારથી લઈને અમલીકરણ સુધી સહયોગ આપવા પ્રતિબદ્ધ છે.
i-Hub દ્વારા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારની પહેલો અને i-Hub દ્વારા યુવા ઇનોવેટર્સ, વિદ્યાર્થીઓ તથા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, i-Hub દ્વારા 700થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન તેમજ કાનૂની અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. AI, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ જાહેર સુરક્ષા, ગુના નિવારણ અને ટ્રાફિક મેનેજમેન્ટમાં ઉપયોગી બની શકે છે.
‘પ્રતિ રક્ષા’ અને ‘પથિક 2.0’ પ્રકલ્પો શરૂ
કાર્યક્રમ દરમિયાન અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિકસાવવામાં આવેલા ‘પ્રતિ રક્ષા’ (Prati Raksha) અને ‘પથિક 2.0’ (Pathik 2.0) ડિજિટલ પ્રકલ્પોનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, ‘પ્રતિ રક્ષા’ સંમતિ આધારિત ડિજિટલ ઓળખ ચકાસણી માટેની વ્યવસ્થા છે. તેના દ્વારા રિયલ-ટાઇમ QR કોડ અને ફેસ વેરિફિકેશનની મદદથી હોટેલ, PG, ફેક્ટરી અને કારખાનાંના કર્મચારીઓની ઓળખની ચકાસણી પેપરલેસ રીતે કરી શકાશે. આ વ્યવસ્થામાં ગોપનીયતાનું પાલન કરવાનો પણ ઉદ્દેશ છે.
આ કાર્યક્રમમાં રાજ્ય પોલીસવડા જી. એસ. મલિક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિત પોલીસ વિભાગ, i-Hub અને હેકાથોન સાથે જોડાયેલા અધિકારીઓ તથા સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.






