Vapi Police Firing : વાપી ખંડણી કેસના આરોપીને SOG PIએ પગમાં ગોળી ધરબી, પોલીસ પર હુમલો કરી ભાગવાનો કરતો હતો પ્રયાસ

Vapi Police Firing : વલસાડ જિલ્લાના વાપીમાં ₹5 કરોડની ખંડણી માગવાના ચકચારી કેસમાં નવો વળાંક આવ્યો છે.
Vivek Shah
Vivek Shah
Vapi Police Firing વાપી ખંડણી કેસના આરોપીને પગમાં ગોળી ધરબીVapi Police Firing વાપી ખંડણી કેસના આરોપીને પગમાં ગોળી ધરબી

Vapi Police Firing વાપી ખંડણી કેસના આરોપીને પગમાં ગોળી ધરબી

Vapi Police Firing : પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપીઓના DNA ટેસ્ટ કરાવી પરત ફરી રહેલી વલસાડ SOGની ટીમ પર એક આરોપીએ હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન SOG PI દિનેશ પરમારે સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી ચલાવતા તે ઘાયલ થયો હતો. હુમલામાં બે પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, વાપીની અભિષેક જ્વેલર્સના સંચાલક પાસે ₹5 કરોડની ખંડણી માગવામાં આવી હતી.

આ ઉપરાંત તેમના નાના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન દુબઈની જેલમાં બંધ કથિત ગેંગસ્ટર હેરીના ઇશારે પંજાબના શખ્સો દ્વારા હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી હતી. વલસાડ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવ્યા હતા.

DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

તપાસના ભાગરૂપે SOGની ટીમ ત્રણેય આરોપીઓને DNA ટેસ્ટ માટે વાપીની સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. DNA ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસ કાફલો પરત ફરી રહ્યો હતો ત્યારે બલિઠા રેલવે અંડરપાસ પાસે આ ઘટના બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી જુગરાજસિંહે અચાનક પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે SOG PI દિનેશ પરમારને કોણી મારી હતી. ત્યારબાદ પોલીસ વાહનના ડ્રાઈવર પર હાથમાં પહેરેલી હથકડીથી હુમલો કર્યો હતો. હુમલામાં PI અને પોલીસ ડ્રાઈવરને ઇજા પહોંચી હતી.

ખંડણી કેસમાં કરાઈ હતી ધરપકડ

આરોપીને કાબૂમાં લેવા અને તે ભાગી ન જાય તે માટે PI દિનેશ પરમારે સર્વિસ રિવોલ્વરથી તેના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાં આરોપી જમીન પર પડી ગયો હતો અને પોલીસે તેને ફરી ઝડપી લીધો હતો. ત્યારબાદ ઘાયલ આરોપીને તાત્કાલિક વાપીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓની સારવાર અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે. પોલીસ દ્વારા આરોપી સામે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપીના ₹5 કરોડની ખંડણી કેસમાં પોલીસ તપાસ હવે વધુ તેજ બની છે.

આ પણ વાંચો : Bhiloda News : ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે, તંત્રને કેમ નથી દેખાતું!