Vadodara News: એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, માતા-પુત્ર-પુત્રીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની આશંકા


Vadodara News
Vadodara News: એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, માતા-પુત્ર-પુત્રીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની આશંકા


Vadodara News
Vadodara News: વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી દલા પટેલની પોળ સ્થિત નરસિંહજીની પોળમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતનો કરુણ બનાવ સામે આવ્યો છે. માતા આરતીબેન સોની, પુત્ર નીલકંઠ સોની અને પુત્રી જેનીબેન સોનીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, ત્રણેયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પરિવારની પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો
મળતી માહિતી મુજબ, સોની પરિવારના મોભી ચેતન સોનીનું આશરે બે વર્ષ પહેલા હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. તેમના મૃત્યુ બાદ પરિવારની પરિસ્થિતિમાં મોટો ફેરફાર આવ્યો હતો. પિતાના અવસાન બાદ પુત્ર નીલકંઠ સોની કેનેડાથી પરત આવ્યો હતો. જ્યારે પુત્રી જેનીબેન સોની આયુર્વેદિક હોસ્પિટલ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, ત્રણેયના મોત ગઈકાલે થયા હોવાની આશંકા છે. જોકે, મોતનો ચોક્કસ સમય અને ઘટનાક્રમ અંગેની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરિવારના ત્રણેય સભ્યોના મોત પાછળનું કારણ જાણવા માટે વિવિધ પાસાની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, પરિવારની પરિસ્થિતિ અને ઘટનાને લગતી અન્ય વિગતો પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતની ઘટનાને પગલે દલા પટેલની પોળ અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો: Gir Somnath News: પસવાળાના સરપંચ પર છરીથી જીવલેણ હુમલાનો કેસ, સુરતથી બે આરોપી ઝડપાયા





